કાઉન્ટી ચેમ્પિયનશિપમાં મોહમ્મદ સિરાજનું શાનદાર ડેબ્યૂ, પ્રથમ મેચમાં 5 વિકેટ લીધી

ઓસ્ટ્રેલિયામાં રમાનાર આગામી ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ ભારતીય ટીમમાં પરત ફર્યા છે. જ્યારે એશિયા કપ 2022માં શાનદાર પ્રદર્શન કરનાર અર્શદીપ સિંહને પણ જગ્યા મળી છે. T20 વર્લ્ડ કપ 2022માં રોહિત શર્મા ભારતીય ટીમના કેપ્ટન હશે જ્યારે કેએલ રાહુલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. જો કે મોહમ્મદ શમી અને શ્રેયસ અય્યર રિઝર્વ પ્લેયર તરીકે ટીમ સાથે ઓસ્ટ્રેલિયા જશે.
આ દરમિયાન ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં શાનદાર ડેબ્યૂ કર્યું છે. વાસ્તવમાં, કાઉન્ટી ચેમ્પિયનશિપમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા મોહમ્મદ સિરાજે વોરવિકશાયર તરફથી સમરસેટ સામે 5 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજની ઘાતક બોલિંગ સામે સમરસેટ પ્રથમ ઇનિંગમાં માત્ર 219 રનમાં સમેટાઈ ગઈ હતી. મોહમ્મદ સિરાજની વાત કરીએ તો આ ફાસ્ટ બોલરે 24 ઓવર ફેંકી હતી. મોહમ્મદ સિરાજે 24 ઓવરમાં 82 રન આપીને 5 ખેલાડીઓને આઉટ કર્યા હતા. તેણે પાકિસ્તાનના ઈમામ ઉલ હકને પોતાનો પહેલો શિકાર બનાવ્યો હતો.
પાકિસ્તાનના ઈમામ-ઉલ-હકને આઉટ કર્યા બાદ મોહમ્મદ સિરાજે જ્યોર્જ બાર્ટલેટ અને જેમ્સ રેવને પેવેલિયન મોકલીને સમરસેટની કમર તોડી નાખી હતી. આ સિવાય ભારતીય ફાસ્ટ બોલરે લુઈસ ગ્રેગરીને આઉટ કર્યો હતો. સમરસેટના બેટ્સમેન લુઈસ ગ્રેગરીએ 60 રન બનાવ્યા હતા. મોહમ્મદ સિરાજે ભારત માટે અત્યાર સુધીમાં 13 ટેસ્ટ મેચ રમી છે. મોહમ્મદ સિરાજે ભારત માટે 13 ટેસ્ટ મેચમાં 30.77 ની એવરેજથી 40 વિકેટ લીધી છે. મોહમ્મદ સિરાજે અત્યાર સુધી ટેસ્ટ મેચોમાં એક ઇનિંગમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની બ્રિસબેન ટેસ્ટમાં 73 રનમાં 5 ઓસ્ટ્રેલીયન ખેલાડીઓને આઉટ કર્યા હતા.