ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હવે જસપ્રિત બુમરાહના સ્થાને કોઈ ખેલાડીને પસંદ કરવાના પડકારનો સામનો કરી રહ્યા છે. મોહમ્મદ શમીને વર્લ્ડ કપ માટે બેકઅપ પ્લેયર્સની યાદીમાં રાખવામાં આવ્યો હોવાથી તેની પસંદગી થવાની શક્યતા વધુ છે. પરંતુ શમી સિવાય સિરાજને પણ બુમરાહના સ્થાને ઓસ્ટ્રેલિયા મોકલી શકાય છે.

BCCI પાસે બુમરાહના રિપ્લેસમેન્ટને પસંદ કરવા માટે 15 ઓક્ટોબર સુધીનો સમય છે. પરંતુ BCCI 6 ઓક્ટોબર પહેલા બુમરાહના સ્થાનની જાહેરાત કરવા માંગે છે. તેનું કારણ એ છે કે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની તૈયારીઓ માટે 6 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા જશે. આવી સ્થિતિમાં બુમરાહના સ્થાને ટીમ ઈન્ડિયાની સાથે ઓસ્ટ્રેલિયા પણ મોકલવામાં આવશે.

એશિયા કપમાં બોલરોના નિરાશાજનક પ્રદર્શન બાદ મોહમ્મદ શમીને ટીમ ઈન્ડિયામાં પરત બોલાવવામાં આવ્યો હતો. પરંતુ કોરોના પોઝિટિવ હોવાના કારણે શમી ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરીઝનો ભાગ બની શક્યો ન હતો. જોકે, વર્લ્ડ કપના બેકઅપ પ્લેયર્સમાં સામેલ થવાને કારણે બુમરાહના સ્થાને ખેલાડીઓની યાદીમાં શમીનું નામ સૌથી આગળ છે.