ભારતીય ટીમમાંથી બહાર કરાયેલા ટેસ્ટ બેટ્સમેન મુરલી વિજય શુક્રવારે લગભગ બે વર્ષ બાદ સ્પર્ધાત્મક ક્રિકેટમાં પરત ફર્યો છે. મુરલી વિજય તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL) માં રૂબી ત્રિચી વોરિયર્સ તરફથી રમવા માટે તિરુનેલવેલી ગયો હતો. મુરલી વિજયની વાપસી જોકે સફળ રહી ન હતી અને તે 13 બોલમાં માત્ર આઠ રન બનાવી શક્યો હતો અને રનઆઉટ થયો હતો.

છેલ્લી વખત સપ્ટેમ્બર 2020 માં દુબઈમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમનાર 61 ટેસ્ટના અનુભવી વિજય ઘરેલું ક્રિકેટમાં પણ તમિલનાડુ માટે રમ્યા નહોતા. આ સિવાય તે ગયા વર્ષે TNPL માં પણ રમ્યા નહોતા.

તે છેલ્લે ડિસેમ્બર 2019 માં રણજી ટ્રોફીમાં તમિલનાડુ માટે રમ્યા હતા. ભારત માટે તેની છેલ્લી ટેસ્ટ 2018 માં ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં હતી. ત્યારથી મુરલી વિજય માટે ટીમ ઈન્ડિયામાં વાપસીના દરવાજા બંધ થઈ ગયા છે.

તેમ છતાં મુરલી વિજયે દાવો કર્યો હતો કે, તે ક્રિકેટ રમવા માટે સંપૂર્ણ રીતે ફિટ છે. TNPL પહેલા વિજયે કહ્યું હતું કે, “હું બને ત્યાં સુધી રમવા માંગુ છું. મેં અંગત કારણોસર વિરામ લીધો હતો. હું મારા પરિવારની સંભાળ લેવા માંગતો હતો. હું અત્યારે મારા ક્રિકેટનો આનંદ માણી રહ્યો છું અને હું સંપૂર્ણપણે ફિટ અનુભવું છું.

મુરલી વિજય ભારત માટે સફળ ટેસ્ટ ઓપનરોમાંથી એક છે. ટીમ ઈન્ડિયા માટે 61 ટેસ્ટ રમીને મુરલી વિજયે 39 ની એવરેજથી 3982 રન બનાવ્યા છે. મુરલી વિજયના નામે ટેસ્ટ ક્રિકેટમાં 12 સદી અને 15 અડધી સદી છે. જો કે મુરલી વિજયની કારકિર્દી વનડે અને ટી-20માં ખૂબ જ ટૂંકી રહી છે.