ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 14 ડિસેમ્બરથી રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચિત્તાગોંગમાં રમાશે. જો કે બાંગ્લાદેશના વિકેટ કીપર બેટ્સમેન મુશફિકુર રહીમ પર ખાસ રેકોર્ડ પર નજર રહેશે. વાસ્તવમાં, પૂર્વ ભારતીય ખેલાડી રાહુલ દ્રવિડે બાંગ્લાદેશ વિરૂદ્ધ ટેસ્ટ મેચની 10 ઇનિંગ્સમાં 560 રન બનાવ્યા છે. આ દરમિયાન પૂર્વ ભારતીય કેપ્ટનની એવરેજ 70 ની આજુબાજુ રહી છે. આ સાથે જ રાહુલ દ્રવિડે બાંગ્લાદેશ સામે 3 વખત સદીનો આંકડો પાર કર્યો છે.

બાંગ્લાદેશના વિકેટ કીપર બેટ્સમેન મુશફિકુર રહીમે ભારત સામે 11 ટેસ્ટ ઇનિંગ્સમાં 518 રન બનાવ્યા છે. આ દરમિયાન મુશ્ફિકુર રહીમની સરેરાશ 51.80 રહી છે. જ્યારે આ વિકેટ કીપર બેટ્સમેને ભારત સામેની ટેસ્ટ મેચમાં બે વખત સદી અને અડધી સદીનો આંકડો પાર કર્યો છે. હાલ મુશ્ફિકુર રહીમની નજર રાહુલ દ્રવિડના રેકોર્ડ પર રહેશે. મુશફિકુર રહીમ 42 રન બનાવીને રાહુલ દ્રવિડને પાછળ છોડી દેશે. આ રીતે મુશફિકુર રહીમ ભારતીય દિગ્ગજ ખેલાડી રાહુલ દ્રવિડને પાછળ છોડીને બંને દેશો વચ્ચેની ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર બીજો ખેલાડી બની જશે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ભૂતપૂર્વ મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર ટોચ પર છે. સચિન તેંડુલકરે બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચની 9 ઇનિંગ્સમાં 820 રન બનાવ્યા છે. આ દરમિયાન માસ્ટ બ્લાસ્ટરે 5 વખત સદીનો આંકડો પાર કર્યો છે. જ્યારે સર્વોચ્ચ સ્કોર 248 રન છે. તે જ સમયે, વિરાટ કોહલી આ યાદીમાં ચોથા નંબર પર છે. પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચની 5 ઇનિંગ્સમાં 392 રન બનાવ્યા છે. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીની એવરેજ 78.40 છે.