ભારતીય ઝડપી બોલર નવદીપ સૈનીએ કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચમાં લંકેશાયર સામે વરસાદથી પ્રભાવિત શરૂઆતના દિવસે 45 રનમાં ત્રણ વિકેટ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. વરસાદના કારણે પ્રથમ દિવસે માત્ર 34.2 ઓવર જ રમાઈ શકી હતી. નવદીપ સૈનીએ 11 ઓવર અને 45 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. લેન્કેશાયરે દિવસની રમતના અંતે ચાર વિકેટે 112 રન બનાવ્યા હતા. ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર છ રન બનાવીને રમી રહ્યો હતો જ્યારે કેપ્ટન સ્ટીવન ક્રાફ્ટ 21 રન બનાવી રમત રમી રહ્યા હતા.

સૈનીએ ઓપનર લ્યુક વેલ્સ (35), કેટોન જેનિંગ્સ અને રોબ જોન્સની વિકેટ લીધી હતી. જોન્સ પ્રથમ બોલ પર સૈની દ્વારા લેગ બિફોર આઉટ કર્યો હતો. સૈનીએ પાંચમા અને છઠ્ઠા બોલ પર વિકેટ લીધી હતી પરંતુ ક્રાફ્ટે તેમની હેટ્રિક બનવા દીધી નહોતી.

જ્યાં સુધી ભારતીય ટીમની વાત કરવામાં આવે તો સૈની હજુ પણ ટીમની બહાર છે. આ મહિનાની શરૂઆતમાં બર્મિંગહામમાં ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ પહેલા તે નેટ બોલર તરીકે ભારતીય ટીમ સાથે જોડાયો હતો. 29 વર્ષીય સૈની, જેણે ઓગસ્ટ 2019 માં ભારત માટે ટી20 ડેબ્યૂ કર્યું હતું, તેણે અત્યાર સુધી દરેક ફોર્મેટમાં રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે ગયા અઠવાડિયે વોરવિકશાયર સામે કેન્ટની 177 રનની જીતમાં સાત વિકેટ ઝડપી હતી. જેમાં પ્રથમ દાવમાં લીધેલી પાંચ વિકેટનો સમાવેશ થાય છે.