ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાએ ડાયમંડ લીગ ફાઇનલ્સનું ટાઇટલ જીત્યું છે. ઝ્યુરિચમાં યોજાયેલી ફાઇનલમાં નીરજ ચોપરાએ 88.44 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ખિતાબ જીત્યો હતો. 24 વર્ષીય નીરજ ડાયમંડ લીગની ફાઈનલ જીતનાર પ્રથમ ભારતીય પણ બની ગયો છે. ફાઇનલમાં ભારતીય ખેલાડીએ ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચેક રિપબ્લિકના યાકુબ વડલાગે અને જર્મનીના જુલિયન વેબરને હરાવ્યો હતો. વેડલેચ 86.94 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બીજા ક્રમે અને જર્મનીના જુલિયન વેબર (83.73) ત્રીજા ક્રમે આવ્યા હતા.

હરિયાણાના પાણીપત પાસેના ખંડારા ગામના નીરજે 27 ઓગસ્ટના રોજ ડાયમંડ લીગનું લોઝેન લીગ ટાઇટલ જીત્યું હતું. તેણે લોસને લેગ જીત્યા બાદ જ ડાયમંડ લીગ ગ્રાન્ડ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ અગાઉ, તે 2017 અને 2018માં પણ ફાઇનલમાં ક્વોલિફાય થયો હતા અને અનુક્રમે 7 મા અને 4 મા ક્રમે રહ્યો હતો.

જ્યુરિચમાં યોજાયેલી ડાયમંડ લીગની ફાઇનલમાં નીરજની શરૂઆત સારી રહી ન હતી. દબાણથી ભરેલી મેચમાં નીરજનો પ્રથમ થ્રો ફાઉલ રહ્યો હતો. જોકે ઈજા બાદ મેદાનમાં પરત ફરેલ નીરજ બીજા પ્રયાસમાં જ પોતાના વિરોધીઓ કરતા ઘણો આગળ નીકળી ગયો હતો. તેણે બીજા પ્રયાસમાં 88.44 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. નીરજે ત્રીજા પ્રયાસમાં 88 મીટર, ચોથા પ્રયાસમાં 86.11 મીટર, પાંચમા પ્રયાસમાં 87 મીટર અને છઠ્ઠા પ્રયાસમાં 83.60 મીટર થ્રો કર્યો હતો.