ICC T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાંથી બહાર થયા બાદ અને મોટી ટૂર્નામેન્ટમાં સતત નિષ્ફળ રહ્યા બાદ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એક મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. વાસ્તવમાં, બોર્ડ ભારતના વર્તમાન કોચ રાહુલ દ્રવિડને T20 ટીમના કોચિંગ પદ પરથી હટાવવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. બોર્ડના એક સૂત્રના જણાવ્યા અનુસાર, ટીમ ઈન્ડિયા માટે નવા કોચિંગ સેટઅપની જાહેરાત જાન્યુઆરી સુધીમાં થઈ શકે છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એક સૂત્રએ ઇનસાઇડસ્પોર્ટને જણાવ્યું હતું કે, ‘અમે તેના પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છીએ. રાહુલ દ્રવિડની ટીમના વ્યસ્ત શિડ્યુલમાં ટીમના મેનેજમેન્ટ પર સવાલ ઉઠી રહ્યા છે. T-20 ક્રિકેટના વ્યસ્ત કેલેન્ડરને જોતા ટીમમાં ફેરફારની જરૂરીયાત છે. હું એ વાતની પુષ્ટિ કરી શકું છું કે, ભારતીય ટીમને ટી-20માં ટૂંક સમયમાં નવું કોચિંગ સેટઅપ મળી શકે છે. મહત્વની વાત એ છે કે, બીસીસીઆઈ કોને નવા ટી20 કોચ બનાવશે તે હજુ સ્પષ્ટ નથી. જો કે આ પદ માટે ભારતના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ આગળ ચાલી રહ્યું છે.

બીસીસીઆઈના વિશ્વસનીય સુત્રે ‘રોહિત શર્મા ટેસ્ટ અને વનડેમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ ચાલુ રાખશે. અમને બધાને લાગે છે કે, રોહિત પાસે અત્યારે ઘણું આપવાનું છે. સુકાની પદ છોડવાથી તેનું કદ નાનું થઈ રહ્યું નથી. સૂત્રે વધુમાં જણાવ્યું હતું કે, ‘આપણે 2024 T-20 વર્લ્ડ કપ માટે તૈયારી કરવી પડશે. હાર્દિક આ રોલ માટે ફિટ છે. શ્રીલંકા સામેની સીરીઝ પહેલા હાર્દિક પંડ્યાની ટી-20ના કેપ્ટન તરીકે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.