ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી ત્રિકોણીય સીરીઝની ચોથી મેચમાં, ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 9 વિકેટે હરાવી દીધું હતું. પ્રથમ બેટિંગ કરીને પાકિસ્તાને 20 ઓવરમાં સાત વિકેટે 130 રન બનાવ્યા હતા. જવાબમાં ફિન એલનની તોફાની બેટિંગના કારણે ન્યૂઝીલેન્ડે માત્ર 16.1 ઓવરમાં એક વિકેટ ગુમાવીને ખૂબ જ સરળતાથી મેચ જીતી લીધી હતી.

ન્યૂઝીલેન્ડ તરફથી ઓપનર ફિન એલને 42 બોલમાં 62 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 6 સિક્સ અને એક ફોર નીકળી હતી. ડેવોન કોનવેએ અણનમ 49 રન બનાવ્યા હતા. બંનેએ 13.3 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 117 રનની ભાગીદારી કરી હતી. અંતમાં સુકાની કેન વિલિયમસન 9 રન બનાવીને અણનમ રહ્યો હતો.

આ અગાઉ ન્યૂઝીલેન્ડની ઘાતક બોલિંગ સામે પાકિસ્તાનની ટીમ પહેલા રમતા 130 રન જ બનાવી શકી હતી. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ, સ્ટાર ઓપનર મોહમ્મદ રિઝવાન, છેલ્લી મેચના હીરો શાદાબ ખાન, શાન મસૂદ, હૈદર અલી અને મોહમ્મદ નવાઝ જેવા તમામ સ્ટાર ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા.

ન્યૂઝીલેન્ડ તરફથી મિચેલ બ્રેસવેલે શાનદાર બોલિંગ કરી હતી. બ્રેસવેલે તેની ચાર ઓવરમાં માત્ર 11 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ સાથે જ ટિમ સાઉથી અને મિચેલ સેન્ટનરને પણ બે-બે સફળતા મળી હતી. ઈશ સોઢીએ એક વિકેટ પોતાના નામે કરી હતી.

પાકિસ્તાન તરફથી ઈફ્તિખાર અહેમદે 27 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 27 રન અને આસિફ અલીએ 23 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી અણનમ 25 રન બનાવ્યા હતા. બીજી તરફ બાબર આઝમ 23 બોલમાં 21 રન, મોહમ્મદ રિઝવાન 17 બોલમાં 16, શાન મસૂદ 12 બોલમાં 14 અને શાદાબ ખાને સાત બોલમાં આઠ રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે જ હૈદર અલી 11 બોલમાં આઠ અને મોહમ્મદ નવાઝ ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા હતા.