કરાચીમાં રમાયેલી T20 સીરીઝની બીજી મેચમાં પાકિસ્તાને ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને તોફાની ઇનિંગ્સ રમીને ટીમને જીત અપાવી હતી. બાબરે અણનમ સદી ફટકારી હતી. જ્યારે રિઝવાને અણનમ 88 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે 19.3 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો. રિઝવાને 51 બોલમાં અણનમ 88 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 4 સિક્સરનો સમાવેશ થાય છે. જ્યારે બાબરે 66 બોલમાં અણનમ 110 રન બનાવ્યા હતા. બાબરે 11 ચોગ્ગા અને 5 સિક્સર ફટકાર્યા હતા. આ રીતે પાકિસ્તાને ઈંગ્લેન્ડને ખરાબ રીતે હરાવ્યું હતું.

આ અગાઉ ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે મોઈન અલીએ 23 બોલમાં અણનમ 55 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 ચોગ્ગા અને 4 સિક્સર ફટકારી હતી. ડકેટે 22 બોલમાં 43 રન બનાવ્યા હતા. સેમ કુરન 10 રન બનાવીને અણનમ રહ્યો હતો.

બાબરે આ મેચમાં બેટિંગ કરતા ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેણે T20 માં પોતાના 8000 રન પૂરા કર્યા છે. તેની સાથે બાબરે એક ખાસ બાબતમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માની બરાબરી કરી લીધી છે. ટી20 ઈન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારવાના મામલે બાબર રોહિતની બરાબરી પર પહોંચી ગયો છે. આ બંનેએ બે-બે સદી ફટકારી છે.