પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે 7 મેચની T20 સીરીઝ રમાઈ રહી છે. સીરીઝની પાંચમી મેચ બુધવારે લાહોરમાં રમાવાની છે. આ પહેલા ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર નસીમ શાહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નસીમ વાયરલ ઇન્ફેક્શન સામે ઝઝૂમી રહ્યો છે. તેમને થોડા દિવસોથી ખૂબ જ તાવ હતો અને ટેસ્ટ પછી જાણવા મળ્યું કે ઈન્ફેક્શનની પણ તેમને ઘણી અસર થઈ રહી છે.

એક નામી ન્યૂઝ ચેનલ મુજબ, નસીમ બે દિવસથી તાવથી પીડાઈ રહ્યો હતો. તેમના તાવનું કારણ છાતીમાં ઇન્ફેકશન હોવાનું છે. તેમને મંગળવારે લાહોરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નસીમ ખૂબ જ નબળાઈ અનુભવી રહી હતી. મંગળવારે આખો દિવસ તે તેના રૂમમાં રહ્યો અને ક્યાંય બહાર આવ્યો નહીં. જ્યારે સ્થિતિમાં સુધારો ન થયો તો તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. તેમનો ડેન્ગ્યુ માટે ટેસ્ટ કરવામાં આવ્યો છે. પરંતુ સમાચાર લખાય ત્યાં સુધી રિપોર્ટ આવ્યો ન હતો.

નોંધનીય છે કે ટી20 વર્લ્ડ કપ 2022 પહેલા પાકિસ્તાની ટીમ ઈંગ્લેન્ડ સામે ટી-20 સીરીઝ રમી રહી છે. ટીમનો મહત્વનો ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી ઈજાના કારણે બહાર ચાલી રહ્યો છે. તે રિહેબ માટે ઈંગ્લેન્ડ ગયો છે. તેની ગેરહાજરીમાં ટીમને નસીમ પાસેથી ઘણી આશાઓ હતી. પરંતુ હવે તે બીમાર ચાલી રહ્યા છે અને પાકિસ્તાન ટીમ માટે આ સમસ્યા છે. એશિયા કપ 2022માં નસીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું.