પાકિસ્તાનના શાહીન આફ્રિદીએ બુમરાહને ટેસ્ટમાં પાછળ છોડ્યો, રોહિત શર્મા વનડે માં ટોચના પાંચમાંથી બહાર

ICC ની તાજેતરની રેન્કિંગમાં ભારતના સ્ટાર ખેલાડીઓને નુકસાન થયું છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરીઝમાં ભારતના તમામ મોટા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો અને મેચ ન રમવાના કારણે તેમને આઈસીસી રેન્કિંગમાં પણ થોડું નુકસાન થયું છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ ટેસ્ટ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહને પાછળ છોડી દીધો છે. વિરાટ કોહલી અને રોહિત શર્માએ વનડે રેન્કિંગમાં એક-એક સ્થાન ગુમાવ્યું છે. રોહિત શર્મા હવે ટોપ ફાઈવ માંથી બહાર થઈ ગયો છે અને વિરાટ પાંચમા સ્થાને સરકી આવ્યો છે.
રોહિત અને વિરાટ વનડેમાં ટોપ 10 માં એકમાત્ર ભારતીય ખેલાડી છે. ક્વિન્ટન ડી કોકે આ બંનેને પછાડી ચોથું સ્થાન મેળવ્યું છે. હવે વિરાટ 774 રેટિંગ પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે અને રોહિત 770 રેટિંગ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાન પર છે. બાબર આઝમ 892 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને યથાવત છે. બોલરોમાં જસપ્રીત બુમરાહ બીજા સ્થાને યથાવત છે. તે પ્રથમ સ્થાને રહેલા ટ્રેન્ટ બોલ્ટથી 15 રેટિંગ પોઈન્ટ પાછળ છે. બોલ્ટના 704 રેટિંગ પોઈન્ટ છે અને બુમરાહના 689 રેટિંગ પોઈન્ટ છે.
ODI ઓલરાઉન્ડર રેન્કિંગમાં જસપ્રીત બુમરાહને બે સ્થાનનું નુકસાન થયું છે અને તે 10 માં સ્થાને આવી ગયો છે. ઓમાનના ઝીસાન મકસૂદ અને પાકિસ્તાનના ઈમાદ વસીમે તેમને પાછળ છોડી દીધા છે.
ટેસ્ટમાં બેટ્સમેનોની રેન્કિંગમાં ઋષભ પંત પાંચમા અને રોહિત શર્મા નવમા સ્થાને યથાવત છે. ઈંગ્લેન્ડના જો રૂટ ટોપ પર છે. બોલરોમાં ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ પ્રથમ અને રવિચંદ્રન અશ્વિન બીજા સ્થાને યથાવત છે. પાકિસ્તાનની શાહીન આફ્રિદીએ બુમરાહને પછાડી ત્રીજા નંબર પર આવી ગયો છે. ઓલરાઉન્ડર રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા પ્રથમ અને અશ્વિન બીજા સ્થાને યથાવત છે.
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં સદી ફટકારનાર સૂર્યકુમાર યાદવ બેટ્સમેનોની રેન્કિંગમાં ટોપ 10 માં એકમાત્ર ભારતીય બેટ્સમેન છે. તે 732 રેટિંગ પોઈન્ટ સાથે પાંચમા સ્થાને યથાવત છે. પાકિસ્તાનના બાબર આઝમ પ્રથમ સ્થાને છે. બોલરોમાં ભુવનેશ્વર કુમાર આઠમા સ્થાને યથાવત છે. તેમની પાસે 658 પોઈન્ટ છે જ્યારે પ્રથમ ક્રમાંકિત જોશ હેઝલવુડના 792 પોઈન્ટ છે.