ઇંગ્લેન્ડ સામે પાકિસ્તાનની રોમાંચક જીત, ત્રણ રનથી શાનદાર જીત મેળવી

પાકિસ્તાને રવિવારે રાત્રે કરાચીમાં રમાયેલી T20 મેચમાં ઈંગ્લેન્ડ સામે રોમાંચક વિજય મેળવ્યો હતો. પહેલા રમતા પાકિસ્તાને 166 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ સ્કોર લેવલથી માત્ર 3 રન દૂર હતી. પાકિસ્તાની બોલર હરિસ રઉફને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો. તેમણે જ પાકિસ્તાનને હારેલી મેચમાં જીત અપાવી દીધી હતી.
પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને મોહમ્મદ રિઝવાન (88), બાબર આઝમ (36) અને શાન મસૂદ (21) ની ઇનિંગ્સને કારણે નિર્ધારિત ઓવરમાં 166/4 રન બનાવ્યા હતા. પાકિસ્તાની બેટ્સમેનોએ ઓછી વિકેટ ગુમાવી હતી પરંતુ ટીમનો રનરેટ ધીમો રહ્યો હતો. રિઝવાન અને બાબરે ખૂબ જ ધીમી બેટિંગ કરી હતી. ઈંગ્લેન્ડ તરફથી રીસ ટોપલેએ બે અને લિયામ ડોસન અને ડેવિડ વિલીએ 1-1 વિકેટ લીધી હતી.
167 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી અને 14 રન થયા ત્યાં સુધીમાં ટીમના ત્રણેય ટોપ ઓર્ડર બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા. મિડલ ઓર્ડર અને નીચલા ક્રમના બેટ્સમેનોની નાની પરંતુ મહત્વની ઈનિંગ્સે ઈંગ્લેન્ડને જીતના કિનારે પહોંચાડ્યું હતું. છેલ્લા 12 બોલમાં ઇંગ્લેન્ડને જીતવા માટે માત્ર 9 રનની જરૂર હતી અને તેની 3 વિકેટ બાકી હતી. ઈંગ્લેન્ડની જીત સ્પષ્ટ દેખાઈ રહી હતી પરંતુ 19મી ઓવરમાં પાકિસ્તાની બોલર હરિસ રાઉફે પલટવાર કર્યો હતો.
હરિસ રાઉફે તેની ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર બેક ટુ બેક બે વિકેટ લઈને પાકિસ્તાનને મેચમાં વાપસી કરી હતી. તેણે 19 મી ઓવરમાં માત્ર 5 રન આપ્યા અને 2 વિકેટ લીધી હતી. આ રીતે ઇંગ્લેન્ડને છેલ્લી ઓવરમાં 6 બોલમાં 4 રનની જરૂર હતી, જ્યાં મોહમ્મદ વસીમ પ્રથમ બોલે ડોટ રમ્યો હતો અને બીજા બોલ પર રીસ ટોપલી એક રન ચુરાવવાના ચક્કરમાં રન આઉટ થઈ ગયા હતા.