પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ મહિલા ખેલાડીની છેડતી કરવા બદલ તેના રાષ્ટ્રીય સ્તરના કોચને સસ્પેન્ડ કરી દીધા છે. એક મહિલા ક્રિકેટરે મુલ્તાન ક્ષેત્રના કોચ નદીમ ઈકબાલ પર છેડતીનો આરોપ લગાવ્યો છે. નદીમ તેના સમયનો પ્રખ્યાત ફાસ્ટ બોલર હતો અને તેણે તે જ ટીમ માટે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું, જેના માટે સુપ્રસિદ્ધ ઝડપી બોલર વકાર યુનિસ રમતા હતા.

પીસીબીના એક અધિકારીએ પુષ્ટિ કરી છે કે, તેમને આ બાબતમાં તપાસ શરૂ કરી દીધી છે કે જેનાથી જાણી શકાય કે, શું નદીમે બોર્ડની સાથે પોતાની નોકરીની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “સ્વાભાવિક રીતે અમે પોલીસને કરવાની હોય તેવી કોઈ ગુનાહિત તપાસ કરી શકતા નથી, પરંતુ અમારી તપાસથી ખબર પડશે કે, શું તેમને અમારા કોન્ટ્રાક્ટની શરતોનું ઉલ્લંઘન કર્યું છે.”

પચાસ વર્ષીય નદીમે 80 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે અને એક સમયે તેને વકાર કરતા વધુ સારો બોલર માનવામાં આવતો હતો. પીડિત મહિલા ક્રિકેટરે પોલીસને આપેલી પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે તે થોડા વર્ષો પહેલા PCB મહિલા ટ્રાયલ માટે મુલતાન ગઈ હતી, જ્યારે નદીમ ત્યાં હાજર રહેલા ઘણા કોચમાંથી એક હતા.

પીડિતાએ કોચ પર બ્લેકમેલિંગનો આરોપ લગાવ્યો
અહીં જાહેર કરાયેલા એક વીડિયો સંદેશમાં પીડિતાએ જણાવ્યું હતું કે, “તેણે મને મહિલા ટીમમાં લેવાનું અને બોર્ડમાં નોકરી અપાવવાનું વચન આપ્યું હતું અને મારી નજીક આવ્યો હતો. તે મારું યૌન શોષણ કરતો રહ્યો અને તેના કેટલાક મિત્રો પણ તેમાં સામેલ હતા. તેણે મારો વીડિયો પણ બનાવ્યો અને પછીથી મને બ્લેકમેલ કરવાનું ચાલુ રાખ્યું હતું.”