ભારતીય મહિલા ક્રિકેટ ટીમ યજમાન શ્રીલંકા સાથે ત્રણ મેચની ODI ની ત્રીજી અને અંતિમ મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે શાનદાર જીત પ્રાપ્ત કરી છે. આ મેચમાં ભારતે શ્રીલંકા સામે જીતવા માટે 256 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેની સામે શ્રીલંકાની ટીમ 216 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. જેના લીધે ભારતીય ટીમે આ મેચ 39 રનથી જીતી લીધી હતી.

જ્યારે ભારતીય ટીમની વાત કરવામાં આવે તો ભારતે એક સમયે માત્ર 124 રનમાં પોતાની છ વિકેટ ગુમાવી દીધી હતી. તેમ છતાં ત્યાર બાદ પૂજા વસ્ત્રાકર આઠમા નંબરે આવી હતી અને તેણે અડધી સદીની ઇનિંગ રમીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધી હતી. આ ઇનિંગ સાથે પૂજાએ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. પૂજા આઠ કે તેનાથી નીચેના નંબર પર સૌથી વધુ અડધી સદી લગાવનારી મહિલા ક્રિકેટર બની ગઈ છે.

22 વર્ષની પૂજાએ ગુરુવારે શ્રીલંકા સામે 65 બોલમાં 56 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે ત્રણ સિક્સર પણ ફટકારી હતી. આઠમા નંબર પર બેટિંગ કરતી વખતે પૂજાની આ બીજી અડધી સદી છે. આ સિવાય તેણે નવમા નંબર પર ફિફ્ટી પણ ફટકારી છે. પૂજા પાસે હવે 8 માં કે તેનાથી નીચેના નંબર પર ત્રણ અડધી સદી છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. પૂજા પહેલા આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડની નિકોલ બ્રાઉનના નામે હતો, જેણે આઠમા નંબર પર તેના નામે બે અડધી સદી છે.
પૂજા સિવાય કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ 75 રનની ઇનિંગ રમી હતી. તે જ સમયે, સ્મૃતિ મંધાના 6 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી જ્યારે શેફાલી વર્માએ 49 અને યાસ્તિકા ભાટિયાએ 30 રનનું યોગદાન આપ્યું હતું. પૂજા અને હરમનપ્રીતે 97 રનની ભાગીદારી કરી હતી. પૂજાએ ભારત માટે અત્યાર સુધીમાં 2 ટેસ્ટ, 23 ODI અને 27 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ભારતે ત્રણ મેચ જીતીને ત્રણ મેચની વનડે સીરીઝ ૩-0 થી પોતાના નામે કરી દીધી છે.