પંજાબ કિંગ્સે રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 5 વિકેટે હરાવી દીધું છે. પ્રથમ બેટિંગ કરતા RCB એ 206 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પંજાબે ઓડિયન સ્મિથ, શિખર ધવન અને ભાનુકા રાજપક્ષની શાનદાર ઇનિંગ્સના આધારે 19 ઓવરમાં ટાર્ગેટનો પીછો કરી લીધો હતો. ઓડિયને માત્ર 8 બોલમાં અણનમ 25 રન બનાવ્યા હતા. જ્યારે આરસીબી તરફથી મોહમ્મદ સિરાજે 2 વિકેટ લીધી હતી. તેમ છતાં તેઓ ખૂબ ખર્ચાળ સાબિત થયા હતા.

RCB દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સ માટે ભાનુકા રાજપક્ષે અને શિખર ધવને શાનદાર બેટિંગ કરી હતી. ધવને 29 બોલનો સામનો કર્યો અને 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 43 રન બનાવ્યા. જ્યારે રાજપક્ષેએ 22 બોલનો સામનો કર્યો અને 4 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા. કેપ્ટન મયંક અગ્રવાલ 32 રનના અંગત સ્કોર પર આઉટ થઈ ગયા હતા. તેણે 24 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

અંડર-19 ટીમના ખેલાડી રાજ બાવા માટે આ મેચ સારી રહી ન હતી. તે પહેલા જ બોલ પર શૂન્ય રને આઉટ થય ગયો હતો. તેને મોહમ્મદ સિરાજે આઉટ કર્યો હતો. લિવિંગસ્ટને 19 રનની ઇનિંગ રમી હતી. તેણે 10 બોલમાં 2 સિક્સર ફટકારી હતી. અંતમાં ઓડિયોન સ્મિથે બેટિંગ કરતા માત્ર 8 બોલમાં અણનમ 25 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 સિક્સર અને એક ફોર ફટકારી હતી. શાહરૂખ ખાન પણ 24 રનના અંગત સ્કોર પર અણનમ રહ્યો હતો.

બેંગ્લોરનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ખર્ચાળ સાબિત થયો હતો. તેમ છતાં તેણે બે વિકેટ પણ લીધી હતી. સિરાજે 4 ઓવરમાં 59 રન આપ્યા હતા. હસરંગાએ 4 ઓવરમાં 40 રન આપીને એક વિકેટ લીધી હતી. હર્ષલ પટેલે 4 ઓવરમાં 36 રન આપીને એક વિકેટ લીધી હતી. આકાશ દીપે 3 ઓવરમાં 38 રન આપીને એક વિકેટ લીધી હતી.