ભારતમાં હાલ કોરોનાવાયરસની બીજી લહેરે કોહરામ મચાવી દીધો છે. દરરોજ હજારો લોકોના મોત થઈ રહ્યા છે. દરેક દેશ તેની સામેની લડતમાં ભારતની મદદ કરવા આગળ આવી રહ્યો છે. જ્યારે આ બાબતમાં, આઈપીએલ ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સદ્વારા પણ મોટી મદદની જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાન રોયલ્સે કોરોના વાયરસ સામેની જંગમાં 7.5 કરોડ રૂપિયાના દાન જાહેરાત કરી છે. રાજસ્થાન રોયલ્સે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા ટ્વિટ કરી આ વિશેની જાણકારી આપી છે.

રાજસ્થાન રોયલ્સે જણાવ્યું છે કે, માલિકો, રમતગમતના ખેલાડીઓ અને મેનેજમેન્ટ દ્વારા કોવિડ-19 થી અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સહાય આપવા માટે એક મિલિયન ડોલર એટલે 7.5 કરોડ રૂપિયાની મદદ કરવાનું વિચાર્યું છે. જ્યારે આ સહાય રોયલ રાજસ્થાન ફાઉન્ડેશન અને બ્રિટીશ એશિયન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. આ મુશ્કેલ ઘડીમાં રાજસ્થાન ટીમના તમામ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ ભારતની સાથે છે.

જ્યારે આ અગાઉ કોલકાતા નાઈટ રાઇડર્સના ફાસ્ટ બોલર પેટ કમિન્સ પણ પીએમ કેર ફંડમાં ઓક્સિજન સપ્લાયમાં મદદ કરવા માટે 50 હજાર ડોલર એટલે કે લગભગ 37 લાખ 36 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી ચુક્યા છે. આ સિવાય તેમણે અન્ય ખેલાડીઓને પણ મદદ કરવા વિનંતી કરી હતી.