ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે ગોવા તરફથી રમતા રણજીમાં શાનદાર ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં જ રાજસ્થાન સામે 120 રનની સદી ફટકારી હતી. આ સદી સાથે તેણે તેના પિતા સચિન તેંડુલકરના મોટા રેકોર્ડની બરાબરી કરી લીધી છે. અર્જુન પહેલા તેના સચિને પણ તેના રણજી ડેબ્યૂમાં સદી ફટકારી હતી. બીજી તરફ અર્જુનની સદી પર ભારતના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે મોટું નિવેદન આપ્યું છે. દિનેશે અર્જુનની આ ઇનિંગના વખાણ કર્યા છે.

ભારતના વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે અર્જુન તેંડુલકરના વખાણ કરતા ક્રિકબઝને કહ્યું છે કે ‘અમે અર્જુનને બોલિંગ માટે ઓળખતા હતા જે થોડી બેટિંગ જાણતો હતો. તેણે પોતાની ડેબ્યૂ સદી સાથે આ વાત જણાવી કે, તેણે બેટિંગમાં ઘણી મહેનત કરી છે. આ સદી તેના માટે ખાસ છે. બોલર બન્યા બાદ તે આ કરવામાં સફળ રહ્યો છે. તેની પાસે સારું પ્રદર્શન કરવાની ક્ષમતા છે. મેં તેને ઈંગ્લેન્ડમાં પ્રેક્ટિસ કરતા જોયો છે.

રાજસ્થાન સામેની રણજી ટ્રોફીમાં ડેબ્યૂમાં અર્જુનને સાતમા નંબરે બેટિંગ કરવાનો મોકો મળ્યો અને તેણે તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. તેણે 207 બોલમાં 120 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 16 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. પોતાની બેટિંગના આધારે અર્જુને દેખાડી દીધું છે કે તે બોલની સાથે સાથે બેટથી પણ ટીમ માટે મહત્વનું યોગદાન આપી શકે છે.

અર્જુન તેંડુલકરને મુંબઈની ટીમમાં સ્થાન ન મળવાને કારણે તેણે રણજીની આ સિઝનમાં ગોવા તરફથી રમવાનું નક્કી કર્યું હતું. તેનો આ નિર્ણય પણ તેના માટે ઘણો સારો સાબિત થયો અને તેણે પોતાના ડેબ્યૂમાં રાજસ્થાન સામે સદી ફટકારી હતી.