રણજી ટ્રોફી 2022 માં મુંબઈમા મધ્યક્રમના બેટ્સમેન સરફરાઝ ખાન સતત કહેર મચાવી રહ્યા છે. સીઝનની અંતિમ મેચમાં પણ તેમણે મધ્યપ્રદેશ સામે જોરદાર સદી ફટકારી છે. તેની સદીની મદદથી મુંબઈની ટીમે પ્રથમ દાવમાં 374 રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે, સરફરાઝ ખાનની આ સિઝનની ચોથી સદી છે. તે આ વખતે 900 થી વધુ રન બનાવી ચુક્યો છે.

સરફરાઝની છેલ્લી 16 ઈનિંગ્સની વાત કરીએ તો આ આંકડાઓ શાનદાર રહ્યા છે. આ 16 ઇનિંગ્સમાં તેણે 1 ત્રિપલ સદી, 2 બેવડી સદી, 3 150 થી વધુ સ્કોર, 1 સદી અને 4 અડધી સદી ફટકારી છે. તેણે આ સિઝનમાં 900 થી વધુ રન બનાવ્યા છે. રણજી ટ્રોફીના 87 વર્ષના ઈતિહાસમાં સરફરાઝ ખાન બે સિઝનમાં 900 રનનો આંકડો પાર કરનારો ત્રીજો ખેલાડી બની ગયો છે. અગાઉ આ કારનામું અજય શર્મા અને વસીમ જાફરે કર્યું હતું.

સરફરાઝનું છેલ્લા 16 ઇનિંગમાં પ્રદર્શન

1 ટ્રિપલ સદી

2 બેવડી સદી

3 150+ સ્કોર્સ

1 સદી (ફાઇનલમાં 134)

4 અડધી સદી

રણજી ટ્રોફી 2022 ની ફાઈનલ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અહીં મુંબઈ અને મધ્યપ્રદેશની રણજી ટીમો આમને-સામને છે. મેચના બીજા દિવસે મુંબઈએ 10 વિકેટ ગુમાવીને 374 રન બનાવ્યા હતા. મુંબઈના સ્કોરમાં સરફરાઝની ઇનિંગે મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રથમ દિવસે જ્યારે તે ક્રિઝ પર આવ્યો ત્યારે મુંબઈની ટીમે 147 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી તેણે એક છેડો પકડી રાખ્યો, જ્યારે બીજા છેડેથી વિકેટો પડતી રહી. સરફરાઝે 243 બોલમાં 134 રન બનાવ્યા હતા.