ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ ચટ્ટોગ્રામમાં રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયા ટોસ જીતીને પહેલા બેટિંગ કરી રહી છે. ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ટીમ ઈન્ડિયાએ 48 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ ઋષભ પંતે ચેતેશ્વર પૂજારા સાથે અડધી સદીની ભાગીદારી રમી હતી. આ સમયગાળા દરમિયાન પંતે સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે પોતાની કારકિર્દીમાં 4000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા. આ મેચમાં પંત 46 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 2 સિક્સર પણ ફટકારી હતી.

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં ઋષભ પંત 5 માં નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેણે 45 બોલમાં 46 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ ઇનિંગના કારણે પંતે તેની કારકિર્દીમાં 4000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા હતા. બીસીસીઆઈએ પણ ટ્વીટ કરીને તેને અભિનંદન પાઠવ્યા છે.

જો આપણે પંતની અત્યાર સુધીની કારકિર્દી પર નજર કરીએ તો તે સારો રહ્યો છે. તેણે 54 ટેસ્ટ ઇનિંગ્સમાં 2169 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 5 સદી અને 10 અડધી સદી ફટકારી હતી. તેણે 26 ODI ઇનિંગ્સમાં 865 રન બનાવ્યા છે. પંતે વનડે ફોર્મેટમાં એક સદી અને 5 અડધી સદી ફટકારી છે. તેણે 66 T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 987 રન બનાવ્યા છે. રિષભે આ ફોર્મેટમાં 3 અડધી સદી ફટકારી છે.

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં રિષભે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે ભારત માટે ટેસ્ટ ફોર્મેટમાં 50 સિક્સર પૂરી કરી હતી. આવું કરનાર તે ભારતનો 8 મો ખેલાડી બન્યો છે. ભારત માટે ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ વીરેન્દ્ર સેહવાગના નામે છે. તેણે 91 સિક્સર ફટકારી છે.