રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ 2022: રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ 2022 ની ચોથી મેચમાં દક્ષિણ આફ્રિકા લેજેન્ડ્સે ન્યૂઝીલેન્ડ લેજેન્ડ્સને 9 વિકેટથી હરાવી દીધું હતું. આફ્રિકી ટીમે પ્રથમ બોલિંગ કરતા ન્યુઝીલેન્ડના દિગ્ગજોને માત્ર 99 રનમાં ઓલઆઉટ કર્યા બાદ માત્ર એરક વિકેટ ગુમાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.

ગ્રીન પાર્ક, કાનપુર ખાતે યોજાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન રોસ ટેલરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અહીં ન્યૂઝીલેન્ડે શરૂઆતથી જ નિયમિત અંતરે વિકેટ ગુમાવવાનું શરૂ કર્યું હતું. માત્ર બ્રાઉનલીએ પીચ પર લાંબો સમય લીધો અને 48 રન બનાવ્યા હતા. કેપ્ટન રોસ ટેલર માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. સમગ્ર કિવી ટીમ 20 ઓવરમાં 99/8 ના સ્કોર સુધી જ પહોંચી શકી હતી. આફ્રિકન બોલર જોહાન બોથાએ 4 અને શબાબાલાએ 3 વિકેટ લીધી હતી.

સાઉથ આફ્રિકાની ટીમને 100 રનના ટાર્ગેટના પ્રાપ્ત કરવામાં વધારે મુશ્કેલી પડી નહોતી. મોર્ને વેન વિક (14), એન્ડ્રુ પુટિક (51) અને અલ્વિરો પીટરસન (29) એ સરળતાથી પોતાની ટીમને જીત અપાવી દીધી હતી. આફ્રિકાની ટીમે 14 મી ઓવરમાં જ ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો.

ઇન્ડિયા લેજેન્ડ્સ હાલમાં રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝના પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે. ઈન્ડિયા લેજેન્ડ્સે તેની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકા લેજેન્ડ્સને 61 રનથી હરાવ્યું હતું. ઈન્ડિયા લેજેન્ડ્સ પછી બીજા નંબર પર શ્રીલંકાની ટીમ છે. શ્રીલંકાએ પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા લેજન્ડ્સને હરાવ્યું હતું.