રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ 2022 ની ત્રીજી મેચમાં શ્રીલંકા લેજેન્ડ્સ (Sri Lanka Legends) એ ઓસ્ટ્રેલિયા લેજેન્ડ્સ (Australia Legends) ને 38 રનથી હરાવી દીધું હતું. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકા લેજેન્ડ્સની ટીમે 20 ઓવરમાં 218 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયનની ટીમ માત્ર 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાની જીતનો હીરો કેપ્ટન તિલકરત્ને દિલશાન હતો. તેણે માત્ર 56 બોલમાં 107 રન બનાવ્યા હતા.

તિલકરત્ને દિલશાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. તે મુનવીરા સાથે ઓપનિંગ કરવા આવ્યો હતો. શ્રીલંકાના આ બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 208 રનની ભાગીદારી કરી હતી. અહીં તિલકરત્ને દિલશાન (107) બ્રેટ લીને બોલ્ડ કર્યો હતો. જ્યારે મુનવીરા 63 બોલમાં 95 રન બનાવીને અણનમ રહ્યો હતો. શ્રીલંકાએ માત્ર એક વિકેટ ગુમાવીને 218 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. બ્રેટ લી જેવા બોલરોને પણ ખૂબ ધોલાઈ કરી હતી. બ્રેટ લીએ 4 ઓવરમાં 45 રન આપ્યા હતા.

બોલિંગમાં જબરદસ્ત ધબડકો કર્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમે બેટિંગમાં ચોક્કસ જોર બતાવ્યું પરંતુ તે અપૂરતું હતું. કેપ્ટન શેન વોટસન (39) અને કેમરન વ્હાઇટ (30) એ પ્રથમ વિકેટ માટે 75 રન જોડ્યા હતા. પરંતુ વોટસન આઉટ થતાની સાથે જ કાંગારૂ ટીમે એક પછી એક વિકેટ ગુમાવી હતી અને સમગ્ર ટીમ 18 ઓવરમાં 180 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન રેર્ડને 19 બોલમાં 46 રનની ઈનિંગ રમી હતી. શ્રીલંકા તરફથી નુવાન કુલશેખરાએ 4 વિકેટ ઝડપી હતી.