આગામી દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણો ફેરફાર થવાનો છે. T-20 ઈન્ટરનેશનલમાંથી રોહિત શર્માની કેપ્ટનશિપની રજા નિશ્ચિત છે. આ હોવા છતાં, BCCI પસંદગીકારો ઓછામાં ઓછા 2023 વર્લ્ડ કપ સુધી ODI અને ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરવા માટે રોહિત પર વિશ્વાસ કરશે. આ ઓપનરને 2023 ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ટી20 વર્લ્ડ કપ 2022માં મળેલી દુખદ યાદોને ભૂલી જવાની તક મળશે. અહેવાલો અનુસાર, શ્રીલંકા સામેની T20 અને ODI સીરીઝ પહેલા હાર્દિક પંડ્યાને ભારતના T20 કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે.

ઇનસાઇડસ્પોર્ટ્સને માહિતી આપતાં બીસીસીઆઇના એક વિશ્વસનીય સૂત્રએ જણાવ્યું કે, રોહિત શર્મા ટેસ્ટ અને વનડેમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ ચાલુ રાખશે. સૂત્રના જણાવ્યા અનુસાર, એક સામાન્ય સહમતિ છે કે હવે પરિવર્તનનો સમય આવી ગયો છે. અમને બધાને લાગે છે કે, રોહિત પાસે અત્યારે ઘણું આપવાનું છે. યાદ રાખો, તેના કારણે તેમનું કદ ઓછું થતું નથી. સૂત્રે વધુમાં કહ્યું કે, આપણે અત્યારથી જ 2024 ના T20 વર્લ્ડ કપની તૈયારી કરવી પડશે. હાર્દિક આ રોલ માટે ફિટ છે. ભારતીય પસંદગીકારો આગામી T20 સીરીઝ પહેલા બેઠક કરશે અને ઔપચારિક રીતે હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે જાહેર કરશે. શ્રીલંકા સીરીઝ પહેલા તેને ભારતનો T20 કેપ્ટન જાહેર કરવામાં આવી શકે છે.

રોહિત શર્મા 2023 વર્લ્ડ કપ સુધી ભારતનો ODI કેપ્ટન રહેશે. આ ઉપરાંત, તે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઓછામાં ઓછા બીજા ચક્રમાં પણ ભારતનું નેતૃત્વ કરશે. હાર્દિક પંડ્યાને T20 ફોર્મેટનો કેપ્ટન બનાવવામાં આવ્યા બાદ KL રાહુલ અને ઋષભ પંત કેપ્ટનશિપની રેસમાંથી બહાર થઈ જશે. બીજી તરફ 50 ઓવરના વર્લ્ડ કપની વાત કરીએ તો વર્ષ 2011 માં એમએસ ધોનીની કેપ્ટન્સીમાં ભારતે જીત મેળવી હતી. 2013 થી, ભારત ICC સ્તરની કોઈ ટ્રોફી જીતવામાં સફળ રહ્યું નથી. રોહિત શર્મા પર આગામી વર્ષમાં ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવાની જવાબદારી રહેશે.