રોહિત શર્માના નામે નોંધાશે અનોખી સિદ્ધિ, સતત આઠ T20 વર્લ્ડ કપ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી બનશે

આગામી T20 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માના નામે એક મોટો રેકોર્ડ નોંધાવા જઈ રહ્યો છે. પાકિસ્તાન સામેની મેચમાં ઉતરવાની સાથે જ રોહિત શર્મા એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી લેશે. તે સતત આઠ T20 વર્લ્ડ કપ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી બનશે. રોહિત શર્માએ અત્યાર સુધી યોજાયેલા તમામ સાત T20 વર્લ્ડ કપમાં ભાગ લીધો છે. ભારતીય ટીમમાં હાજર કોઈપણ ખેલાડીએ આટલા T20 વર્લ્ડ કપ રમ્યા નથી.
ટી20 વર્લ્ડ કપ માટે જે ટીમની પસંદગી કરવામાં આવી છે તેમાંથી માત્ર બે ખેલાડીઓએ 2007 માં આયોજિત પ્રથમ ટી20 વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. રોહિત શર્મા અને દિનેશ કાર્તિક પણ 2007 માં આયોજિત પ્રથમ T20 વર્લ્ડ કપમાં રમ્યા હતા. હવે 15 વર્ષ બાદ ફરી એકવાર આ બંને ખેલાડીઓ વર્લ્ડ કપમાં સાથે રમતા જોવા મળશે. જ્યારે આ બંનેની જોડી પ્રથમ વખત વર્લ્ડ કપમાં રમી ત્યારે ભારત ચેમ્પિયન બન્યું હતું.
ટીમના અન્ય ખેલાડીઓની વાત કરીએ તો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 4 T20 વર્લ્ડ કપમાં ભાગ લીધો છે. જ્યારે અશ્વિને માત્ર 4 T20 વર્લ્ડ કપ રમી ચુક્યા છે. આ સિવાય દિનેશ કાર્તિકે 3 T20 વર્લ્ડ કપ રમ્યા છે. ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહ 2-2 વર્લ્ડ કપ રમી ચુક્યા છે. પાંચ ક્રિકેટર દીપક હુડા, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, અક્ષર પટેલ અને હર્ષલ પટેલ માટે આ પ્રથમ T20 વર્લ્ડ કપ હશે.
T20 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલ ભારતીય ટીમ : રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.