ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 29 જુલાઈથી T20 સીરીઝ શરૂ થઈ રહી છે. કેપ્ટન રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 સીરીઝ માટે ટીમમાં વાપસી કરશે. પરંતુ અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીને ટી20 સીરીઝમાંથી આરામ આપવામાં આવી શકે છે. તેના સિવાય આર અશ્વિનની ફરી એકવાર T-20 ટીમમાં પસંદગી થઈ શકે છે.

BCCI ટૂંક સમયમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સીરીઝ માટે ટીમની જાહેરાત કરવા જઈ રહ્યું છે. રોહિત શર્મા સિવાય ઋષભ પંત, જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યાને પણ ટી-20 સીરીઝમાં તક મળશે. પરંતુ વનડે સીરીઝની સાથે વિરાટ કોહલીને ટી-20 સીરીઝમાંથી પણ આરામ આપવામાં આવશે.

ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ T20 વર્લ્ડ કપ પહેલા પોતાના તમામ વિકલ્પો અજમાવવા માંગે છે. મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા પણ આ મામલે કોચ અને કેપ્ટનને સપોર્ટ કરી રહ્યા છે.

ટીમના કેપ્ટન બન્યા બાદ જ રોહિત શર્માએ સ્પષ્ટ કરી દીધું હતું કે, T20 વર્લ્ડ કપ માટે આર અશ્વિન તેમના પ્લાનના ભાગ છે. હવે સાત મહિના બાદ આર અશ્વિનની ટીમ ઈન્ડિયામાં વાપસી નિશ્ચિત માનવામાં આવી રહી છે.

ટીમ ઈન્ડિયા પણ આવતા મહિને શ્રીલંકામાં એશિયા કપના ભાગ પણ બનવાના છે. આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં યોજાશે. વિરાટ કોહલી એશિયા કપ દરમિયાન T20 ટીમમાં વાપસી કરે તેવી શક્યતા છે.

આ પહેલા બુધવારે BCCI એ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ODI ટીમની જાહેરાત કરી હતી. રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યાને ત્રણ મેચની વનડે સીરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. આ સિરીઝમાં શિખર ધવન ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે.