ફૂટબોલની દુનિયામાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ વધુ એક મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. તે ક્લબ ફૂટબોલમાં 700 ગોલ કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે રવિવારે ઇંગ્લિશ પ્રીમિયર લીગની મેચમાં એવર્ટન સામે ગોલ કરીને આ મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તેના ગોલના કારણે માન્ચેસ્ટર યુનાઈટેડ પણ મેચ જીતી ગયું હતું.

37 વર્ષીય રોનાલ્ડોએ 20 વર્ષ પહેલા સ્પોર્ટિંગ લિસ્બનથી પોતાની ક્લબ ફૂટબોલ કારકિર્દીની શરૂઆત કરી હતી. આ 20 વર્ષોમાં, તે સ્પોર્ટિંગમાં તેમજ માન્ચેસ્ટર યુનાઈટેડ, રીઅલ મેડ્રિડ અને જુવેન્ટસ માટે રમતા દેખાયા. તેણે કુલ 944 મેચ રમી અને 700 ગોલ કર્યા હતા.

રોનાલ્ડોએ પોર્ટુગલની ફૂટબોલ ક્લબ સ્પોર્ટિંગ લિસ્બન માટે 5 ગોલ કર્યા હતા. એક સિઝન પછી, તેને માન્ચેસ્ટર યુનાઈટેડ દ્વારા તેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેણે પ્રથમ અને બીજા તબક્કામાં માન્ચેસ્ટર યુનાઈટેડ માટે કુલ 144 ગોલ કર્યા હતા. તેણે સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડ તરફથી રમતા 450 ગોલ કર્યા હતા. તે રિયલ મેડ્રિડ માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી પણ છે. મેડ્રિડ બાદ તેણે ઈટાલિયન ફૂટબોલ ક્લબ જુવેન્ટસ માટે પણ 101 ગોલ કર્યા છે.

રોનાલ્ડોએ તેની ક્લબ ફૂટબોલ કારકિર્દીમાં કુલ 50 હેટ્રિક ફટકારી છે. 700 ગોલમાંથી 129 પેનલ્ટી સ્પોટ દ્વારા થયા હતા. તે ચેમ્પિયન્સ લીગમાં ટોપ સ્કોરર પણ છે. અહીં તેણે 183 મેચમાં 140 ગોલ કર્યા છે. આ મામલામાં તે લિયોનેલ મેસ્સી કરતા 13 ગોલ આગળ છે.