વિશ્વના શ્રેષ્ઠ ફૂટબોલરોમાંના એક પોર્ટુગીઝ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને મોંઘી કારનો શોખ છે. તેના કલેક્શનમાં ઘણી મોંઘી કાર છે. તે ઘણી વખત આ કાર સાથેની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. સોમવારે લગભગ 1.7 મિલિયન પાઉન્ડ (16 કરોડ 28 લાખ રૂપિયાથી વધુ) ની સુપર-કાર બુગાટી વેરોન સ્પેનના મેજોર્કા શહેરમાં એક મોટી દુર્ઘટનાની શિકાર થઈ ગઈ છે.

રોનાલ્ડો આ દિવસોમાં હોલીડે એન્જોય કરી રહ્યા છે અને તેણે દરિયાના રસ્તે ઘરેથી કાર મંગાવી હતી. જોકે આ અકસ્માત રોનાલ્ડોથી નહીં પરંતુ તેના બોડીગાર્ડથી થયો હતો. તેણે પોતાનો કાબૂ ગુમાવ્યો હતો જેના કારણે કાર એક ઘર સાથે ઘુસી ગઈ હતી. કારમાં સવાર કોઈ વ્યક્તિને કે ડ્રાઈવરને કોઈ ઈજા થઈ ન હતી. સમાચાર અનુસાર, ક્રિસ્ટિયાનો બુગાટી સ્પેનના મેજોર્કામાં આવેલ એક ઘરમાં ઘૂસી ગઈ હતી.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની સુપર-કાર બુગાટી વેરોનને ભારે નુકસાન થયું છે. આ ઘટના સ્થાનિક સમય અનુસાર સવારે 11 વાગ્યે બની હતી. સદનસીબે, સ્ટાર ફૂટબોલર આ કારમાં નહોતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોનાલ્ડો 10 દિવસના વેકેશન પર છે. દરિયા કિનારે જે વિલામાં તે રોકાયો છે તેનું એક રાત્રિનું ભાડું લગભગ 10 લાખ રૂપિયા છે. રોનાલ્ડો સાથે તેમની પાર્ટનર અને બાળકો પણ ગયા છે.