ઇંગ્લેન્ડનો ઝડપી બોલર જોફ્રા આર્ચર સાઉથ આફ્રિકાની T20 લીગમાં રમશે. બુધવારે, MI કેપ ટાઉને જોફ્રાને તેમની ટીમમાં સામેલ કરવાની જાહેરાત કરી છે. સાઉથ આફ્રિકા ટી20 લીગની પ્રારંભિક આવૃત્તિ આવતા વર્ષે જાન્યુઆરીમાં રમાશે. જોફ્રા આર્ચર કોણીની ઈજાના કારણે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. કોણીની ઈજા ઉપરાંત તેની પીઠના નીચેના ભાગમાં ફ્રેક્ચર થયું હતું. તેણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ માર્ચ 2021 માં રમી હતી. તે બુધવારે મેદાનમાં પરત ફર્યો હતો. આ દરમિયાન જોફ્રાએ અબુ ધાબીમાં ઈંગ્લેન્ડ લાયન્સ તરફથી ઈંગ્લેન્ડની મુખ્ય ટીમ સામે મેચ રમી હતી.

ગયા વર્ષે IPL મેગા ઓક્શન પહેલા રાજસ્થાન રોયલ્સ દ્વારા જોફ્રા આર્ચરને રિલીઝ કરવામાં આવ્યો હતો. કારણ કે, ઈજાના કારણે તે IPL 2022 માટે ઉપલબ્ધ નહોતો. જોફ્રાની અનુપલબ્ધતા જાણીને મુંબઈ ઈન્ડિયન્સે તેને 8 કરોડમાં ખરીદ્યો હતો. એટલું જ નહીં મુંબઈએ આ વર્ષે જોફ્રાને પણ જાળવી રાખ્યો છે. આઈપીએલની આગામી સિઝનમાં તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા જોવા મળશે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં રમતા પહેલા જોફ્રા MI કેપટાઉન દ્વારા દક્ષિણ આફ્રિકામાં રમાતી T20 લીગમાં ભાગ લેશે. દક્ષિણ આફ્રિકા T20 લીગમાં સામેલ IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને MI કેપટાઉન એક જ જૂથની માલિકીની છે.

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે 20 માર્ચ 2021 ના રોજ તેની ટીમ માટે છેલ્લી મેચ રમી હતી. જ્યારે 16 સપ્ટેમ્બર 2020 બાદ તે ઈંગ્લીશ ટીમ માટે ODI રમી શક્યો નથી. જ્યારે, ફેબ્રુઆરી 2021 માં, તેણે ઇંગ્લેન્ડ માટે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. જોફ્રા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ન રમી શકવાનું મુખ્ય કારણ તેની ઈજા છે. પરંતુ હવે તે ઈજામાંથી બહાર આવી ગયો છે. આગામી સમયમાં જોફ્રા ઈંગ્લેન્ડ સહિત વિવિધ ટીમો માટે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમતા જોવા મળશે.