ભારતીય ટીમે આયર્લેન્ડ સામેની બીજી T20 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય બેટ્સમેનોએ 20 ઓવરમાં 227 રન બનાવ્યા હતા. ભારતીય બેટ્સમેન દીપક હુડ્ડાએ સદી ફટકારી, તેમણે 57 બોલમાં 104 રન બનાવ્યા હતા. જ્યારે સંજુ સેમસને 42 બોલમાં 77 રન બનાવ્યા હતા. દીપક હુડ્ડા અને સંજુ સેમસન વચ્ચે 176 રનની ભાગીદારી થઈ હતી. ભારત તરફથી કોઈપણ વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી છે.

આ અગાઉ ભારત માટે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ રોહિત શર્મા અને લોકેશ રાહુલના નામે હતો. લોકેશ રાહુલ અને રોહિત શર્માએ 2017 માં શ્રીલંકા સામે પ્રથમ વિકેટ માટે 165 રનની ભાગીદારી કરી હતી. આ મેચ ઈન્દોરમાં રમાઈ હતી. આ સાથે જ રોહિત શર્મા અને શિખર ધવનના નામે પ્રથમ વિકેટ માટે 160 રનનો રેકોર્ડ છે. બંને બેટ્સમેનોએ વર્ષ 2018 માં આયર્લેન્ડ સામે આ રેકોર્ડ બનાવ્યો હતો. ભારત અને આયર્લેન્ડ વચ્ચેની આ મેચ ડબલિનમાં રમાઈ હતી.

જ્યારે વર્ષ 2017 માં ન્યુઝીલેન્ડ સામે રોહિત શર્મા અને શિખર ધવન વચ્ચે 158 રનની ભાગીદારી થઈ હતી. આ મેચ દિલ્હીમાં રમાઈ હતી. આયર્લેન્ડ સામેની બીજી T20 મેચમાં ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનર ઇશાન કિશન સસ્તામાં આઉટ થયો હતો, પરંતુ દીપક હુડ્ડા અને સંજુ સેમસનની શાનદાર ઇનિંગ્સના કારણે ભારતીય ટીમે 227 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.