ભારતીય ટીમના સ્ટાર વિસ્ફોટક વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસનને આગામી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે કેરળ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હવે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સંજુ કેરળની કેપ્ટનશીપ સાથે પોતાની ટીમનું પ્રતિનિધિત્વ કરશે. સંજુ હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે ન્યૂઝીલેન્ડ A વિરૂદ્ધ ભારત A ની કેપ્ટનશીપ કરતી વખતે બેટ વડે ઘણા રન બનાવ્યા હતા. જોકે, સંજુ સેમસનને ભારતની T20 વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળ્યું નથી.

સંજુ સેમસન ભારતમાં યોજાનારી આગામી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કેરળની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. તેને કેરળનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સંજુએ કેરળ પહેલા લાંબા સમય સુધી IPL માં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ કરી છે. તેની પાસે કેપ્ટનશિપનો પણ ઘણો સારો અનુભવ છે, તેની કેપ્ટનશિપમાં રાજસ્થાન રોયલ્સની ટીમ IPLની છેલ્લી સિઝનમાં ફાઇનલમાં પહોંચી હતી. તે જ સમયે, તાજેતરમાં તેણે ન્યુઝીલેન્ડ A સામેની ત્રણ મેચની ODI શ્રેણીમાં ભારત A ની કેપ્ટનશીપ કરી અને ત્રણેય મેચોમાં ભારતીય ટીમને જીત અપાવી હતી.

તમને જણાવી દઈએ કે, સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચની T20 સીરીઝ રમ્યા બાદ ભારતીય ટીમે હવે દક્ષિણ આફ્રિકા સામે પણ ત્રણ મેચની વનડે સીરીઝ રમવાની છે. આ સિરીઝ માટે ભારતીય ટીમમાં સંજુ સેમસનની પણ પસંદગી કરવામાં આવી છે. જો કે તે આ ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે નહીં. દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે વાઇસ કેપ્ટનની જવાબદારી શ્રેયસ અય્યરને આપવામાં આવી છે. સંજુ હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં આ સિરીઝમાં પણ સંજુના ચાહકોને પૂરી આશા છે કે તે બેટથી શાનદાર પ્રદર્શન કરશે.