ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસનને વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સીરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. લોકેશ રાહુલના સ્થાને તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલમાં તેની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. તમને જણાવી દઈએ કે, લોકેશ રાહુલ કોરોના સંક્રમણ બાદ હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી અને તે સમગ્ર શ્રેણીમાંથી બહાર થઈ શકે છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝમાં સંજુ સેમસન પ્રથમ મેચમાં ખાસ કંઈ કરી શક્યો ન હતો, પરંતુ બીજી મેચમાં તેણે મોટા લક્ષ્યનો પીછો કરતા મહત્વની અડધી સદી ફટકારી હતી. ત્યાર બાદ ત્રીજી મેચમાં, તેને માત્ર થોડા બોલ રમવાની તક મળી હતી. તે 7 બોલમાં 6 રન બનાવીને અણનમ પેવેલિયન પરત ફર્યો હતો. જો કે આ સમગ્ર શ્રેણીમાં તેણે વિકેટ પાછળ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને પ્રથમ મેચમાં તેણે છેલ્લી ઓવરમાં ડાઇવ કરીને રોકેલા ચારને કારણે ભારતને મહત્વનો વિજય મળ્યો હતો.

સંજુ સેમસનને માત્ર ત્રણ મેચની વનડે શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેને ટી-20 શ્રેણીમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. પરંતુ લોકેશ રાહુલની ગેરહાજરીમાં તેને ફરી એકવાર T20 ટીમમાં જગ્યા મળી છે. સંજુ સેમસન માટે આ એક મહત્વપૂર્ણ તક સાબિત થઈ શકે છે, જ્યાં સારું પ્રદર્શન કરીને તે આ વર્ષના T20 વર્લ્ડ કપ માટે પસંદ થનારી ભારતીય ટીમની રેસમાં સામેલ થઈ શકે છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની ભારતની ટી20 ટીમ :

રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, દીપક હુડ્ડા, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઈશાન કિશન, કેએલ રાહુલ, સંજુ સેમસન, દિનેશ કાર્તિક, ઋષભ પંત, રવિ બિશ્નોઈ, કુલદીપ કુમાર યાદવ, ભુવનેશ્વર, રવિન્દ્રન અશ્વિન, આવેશ ખાન, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.