મુંબઇ ઇન્ડિયન્સે તેમની ટીમ MI અમીરાત ઓફ ધ યુનાઇટેડ આરબ અમીરાત (UAE) ઇન્ટરનેશનલ લીગ T20 (ILT20) માટે કોચિંગ સ્ટાફની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શેન બોન્ડને MI અમીરાતના મુખ્ય કોચની જવાબદારી સોંપવામાં આવી છે. બોન્ડની સાથે પાર્થિવ પટેલ, વિનય કુમાર, જેમ્સ ફ્રેન્કલિન અને રોબિન સિંહને પણ મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

ભૂતપૂર્વ ભારતીય વિકેટ-કીપર બેટ્સમેન પાર્થિવ પટેલને બેટિંગ કોચ, ભૂતપૂર્વ ભારતીય બોલર વિનય કુમારને બોલિંગ કોચ અને ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર જેમ્સ ફ્રેન્કલિનને ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન સિંહને ફ્રેન્ચાઇઝીના જનરલ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શેન બોન્ડ અગાઉ IPL માં મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ હતા. તેમને  પોતાના પ્રમોશન પર કહ્યું છે કે, “એક નવી ટીમ બનાવવી હંમેશા ખૂબ જ રોમાંચક હોય છે. હું મુંબઈ ઇન્ડિયન્સનો વારસો આગળ વધારવા અને રમતને નવી ઊંચાઈઓ પર પહોંચાડવા માટે પોતાના ખેલાડીઓને પ્રોત્સાહિત કરીશ.”

ઇન્ટરનેશનલ લીગ T20 આવતા વર્ષે જાન્યુઆરીથી શરૂ થવાની આશા છે. તેનું સંપૂર્ણ શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ શક્ય છે કે આ સાઉથ આફ્રિકા ટી20 ફ્રેન્ચાઇઝી લીગ સાથે એકસાથે રમાશે. SA T20 પણ જાન્યુઆરીથી માર્ચ દરમિયાન યોજાશે. તમને જણાવી દઈએ કે આ જ સમયે પાકિસ્તાન પ્રીમિયર લીગ પણ રમાય છે.