ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે 12 જુલાઈથી ત્રણ મેચની ODI સીરીઝ શરૂ થઈ રહી છે. આ સિરીઝ સાથે શિખર ધવન ફરી એકવાર ભારતની જર્સીમાં રમતા જોવા મળશે. શિખર ધવન ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં મેદાન પર ઉતરતાની સાથે જ એક ખાસ સ્થાન હાંસલ કરી લેશે.

વાસ્તવમાં શિખર ધવને ODI ક્રિકેટમાં અત્યાર સુધી 149 મેચ રમી છે. 12 જુલાઈએ રમાનારી મેચ શિખર ધવનની કારકિર્દીની 150 મી ODI હશે. ODI ક્રિકેટમાં શિખર ધવનનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે અને તેણે આ સમયગાળા દરમિયાન ઘણી મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.

શિખર ધવને 149 વનડેમાં 45.54ની શાનદાર એવરેજથી 6284 રન બનાવ્યા છે. આ દરમિયાન શિખર ધવનનો સ્ટ્રાઈક રેટ 93.37 રહ્યો છે. એટલું જ નહીં શિખર ધવને વનડે ક્રિકેટમાં 17 સદી અને 35 અડધી સદી પણ ફટકારી છે.

વર્લ્ડ કપ અથવા ICC ચેમ્પિયનશિપ ટ્રોફી જેવી મોટી ટુર્નામેન્ટમાં શિખર ધવન અલગ સ્તરે બેટિંગ કરે છે. શિખર ધવન 2013 અને 2017 ચેમ્પિયનશિપ ટ્રોફીમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. આ સિવાય ધવને ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડની ધરતી પર રમાયેલા 2015 વર્લ્ડ કપમાં પણ ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા હતા.