શુભમન ગિલ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં Glamorgan તરફથી રમશે, જાણો ક્યારે જશે યુનાઇટેડ કિંગડમ…

ભારતીય ક્રિકેટ ટીમનો યુવા બેટ્સમેન શુભમન ગિલ કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન-2 માં Glamorgan તરફથી રમશે. આ ભારતીય બેટ્સમેને ગ્લેમોર્ગન સાથે કરાર કર્યો છે. શુભમન ગિલ ગ્લેમોર્ગનની બાકીની મેચોમાં ટીમનો ભાગ હશે. ગ્લેમોર્ગને એક નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય યુવા બેટ્સમેન શુભમન ગિલ કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન-2 માં ગ્લેમોર્ગન તરફથી રમશે. આ સિવાય તે 5 સપ્ટેમ્બરે યુનાઇટેડ કિંગડમ પહોંચશે.
ઝિમ્બાબ્વે સામેની 3 મેચની ODI સીરીઝમાં શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. શુભમન ગિલ આ સીરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતા. આ સાથે આ ભારતીય બેટ્સમેને તેની વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટની પ્રથમ સદી પણ ફટકારી હતી. હવે શુભમન ગિલ વર્સેસ્ટરશાયર સામેની મેચમાં કાઉન્ટી ડેબ્યૂ કરશે. વર્સેસ્ટરશાયર અને ગ્લેમોર્ગન વચ્ચેની આ મેચ કાર્ડિફના સોફિયા ગાર્ડન્સમાં રમાશે. કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન 2 ની બાકીની મેચોમાં, ગ્લેમોર્ગન તેની બાકીની કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચોમાં વર્સેસ્ટરશાયર, મિડલસેક્સ, ડર્બીશાયર અને સસેક્સનો સામનો કરશે.
હવે શુભમન ગિલે તેના કાઉન્ટી ડેબ્યૂ પર ખુશી વ્યક્ત કરી છે. તેણે જણાવ્યું છે કે, “હું ગ્લેમોર્ગન માટે રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. મને આ તક આપવા માટે હું ગ્લેમોર્ગન અને બીસીસીઆઈનો આભાર માનું છું.” ભારતીય યુવા બેટ્સમેને જણાવ્યું છે કે, મને કાઉન્ટી ક્રિકેટમાંથી ઘણું શીખવા મળશે. શુભમન ગિલ એશિયા કપ 2022માં ભારતીય ટીમનો ભાગ નથી. જોકે, આ ખેલાડીએ વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામેની સીરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.