દક્ષિણ આફ્રિકાએ ત્રણ મેચની T20 સીરીઝની બીજી મેચમાં ઈંગ્લેન્ડને 58 રને હરાવી દીધું હતું. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ સીરીઝ 1-1 થી બરાબર કરી લીધી છે. ઈંગ્લેન્ડે પ્રથમ મેચ 41 રને જીતી હતી. દક્ષિણ આફ્રિકાએ બીજી મેચમાં જોરદાર વાપસી કરી હતી. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ રિલે રોસોવ અને રીઝા હેન્ડ્રીક્સની જોરદાર ઈનિંગ્સને કારણે 20 ઓવરમાં ઈંગ્લેન્ડ સામે 208 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પ્રથમ મેચમાં 234 રન બનાવનારી ઈંગ્લેન્ડની ટીમ બીજી મેચમાં અંતિમ ઓવર પણ રમી શકી ન હતી અને 16.4 ઓવરમાં 149 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

208 રનના મોટા ટાર્ગેટનો પીછો કરતા ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી હતી. ટીમે 3.3 ઓવરમાં 37 રન બનાવ્યા હતા. પરંતુ ચોથી ઓવરમાં કેપ્ટન બટલરના આઉટ થયા બાદ ઈંગ્લેન્ડની ટીમ રિકવર કરી શકી ન હતી અને વારંવાર અંતરાલ પર પોતાની વિકેટો ગુમાવતી રહી હતી. બટલર 14 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો હતો. ડેવિડ માલન 4 બોલમાં માત્ર 5 રન બનાવી શક્યો હતો. જેસન રોય ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો. તેણે 22 બોલમાં 20 રન બનાવ્યા હતા. છેલ્લી મેચમાં ઝડપી ઈનિંગ રમનાર મોઈન અલી વધુ પ્રદર્શન કરી શક્યો ન હતો અને 17 બોલમાં 28 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જોની બેયરસ્ટોએ 21 બોલમાં 30 રન બનાવ્યા હતા. લિવિંગસ્ટોન 10 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી તબરેઝ શમ્સી, એન્ડીલે ફેહલુકવાયોએ 3-3 વિકેટ લીધી હતી. લુંગી એનગીડી 2, રબાડા 1 અને મહારાજને 1 વિકેટ મળી હતી.

આ અગાઉ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે પણ સારી શરૂઆત કરી હતી. 39 ના સ્કોર પર પ્રથમ વિકેટ પડી હતી. ડી કોક 11 બોલમાં 15 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. તેમ છતાં ત્યાર બાદ રિલે રોસોઉ અને રીઝા હેન્ડ્રીક્સે દઇનિંગને સંભાળી અને બીજી વિકેટ માટે શાનદાર અડધી સદીની ભાગીદારી કરીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી હતી. આ દરમિયાન રિઝા 32 બોલમાં 53 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ રોસોઉએ બીજો છેડો પકડી રાખ્યો અને મોટા શોટ રમવાનું ચાલુ રાખ્યું હતું. તે 55 બોલમાં 96 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 5 સિક્સર અને 10 ફોર ફટકારી હતી.

ક્લાસને 10 બોલમાં 19 રન બનાવ્યા હતા. છેલ્લી મેચમાં શાનદાર ઇનિંગ રમનાર સ્ટબ્સે 12 બોલમાં 15 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલી, રિચર્ડ ગ્લેસન અને ક્રિસ જોર્ડનને 1-1 વિકેટ મળી હતી. આ બંને વચ્ચે ત્રીજી અને નિર્ણાયક મેચ રવિવારે રમાશે.