ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા શ્રીલંકાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના મુખ્ય સ્પિન બોલર પ્રવીણ જયવિક્રમા કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે અને તેના કારણે તે આ મેચમાંથી બહાર થઈ ગયો છે.

શ્રીલંકા ક્રિકેટ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે, જયવિક્રમા કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘જ્યારે આજે સવારે જયવિક્રમા નો ઝડપી ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તે કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ તે ટીમના બાકીના સભ્યોથી અલગ થઈ ગયા છે. હવે તે પાંચ દિવસ માટે આઈસોલેશનમાં રહેશે.

શ્રીલંકાના બાકીના ખેલાડીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને ટીમ બીજી મેચ જીતીને સિરીઝ 1-1 થી બરાબર કરવા ઈચ્છે છે. જયવિક્રમા આ સીરીઝમાં કોરોના પોઝિટિવ જોવા મળતો બીજો શ્રીલંકન ખેલાડી છે. અનુભવી ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુસ પણ પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન કોવિડનો શિકાર બન્યો હતો. શ્રીલંકા ક્રિકેટને આશા છે કે, મેથ્યુસ સમયસર સ્વસ્થ થઈ જશે જેથી તે બીજી ટેસ્ટ મેચમાં ભાગ લઈ શકે છે.

શ્રીલંકાએ બીજી ટેસ્ટ માટે સ્પિનરો મહિશ તિક્ષા, દુનિથ વેલ્લાલેજ અને લક્ષ્ય માનસિંઘેને ટીમમાં સામેલ કર્યા છે. આ ખેલાડીઓએ અત્યાર સુધી એક પણ ટેસ્ટ મેચ રમી નથી, પરંતુ તેમાંથી એકને આ વખતે ડેબ્યૂ કરવાની તક ચોક્કસ મળી શકે છે.

ગાલેમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું. કાંગારૂ ટીમને માત્ર 5 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેણે માત્ર 4 બોલમાં હાંસલ કરી લીધો હતો. બંને ટીમો વચ્ચે શુક્રવારથી બીજી ટેસ્ટ મેચ રમાશે જેમાં યજમાન ટીમ વાપસી કરવાનો પ્રયાસ કરશે. જોકે તેના માટે મુખ્ય ખેલાડીઓનું ફિટ હોવું જરૂરી છે.