શ્રીલંકાએ મંગળવારે રમાયેલી પાંચ મેચની ODI સીરીઝની ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયાને રોમાંચક મેચમાં હરાવ્યું હતું. કોલંબોમાં રમાયેલી આ ડે-નાઈટ મેચમાં શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને 259 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ આ ટાર્ગેટથી 5 રન દૂર રહી ગઈ હતી. છેલ્લા બોલે શ્રીલંકાને જીત મળી હતી. આ જીત સાથે શ્રીલંકાએ સીરીઝ પણ જીતી લીધી છે. ત્રણ દાયકામાં આ પ્રથમ વખત બન્યું છે કે, જ્યારે શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને તેના ઘરેલું મેદાન પર દ્વિપક્ષીય સીરીઝમાં હરાવ્યું હોય.

શ્રીલંકાએ આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પોતાની પ્રથમ ત્રણ વિકેટ માત્ર 34 રનમાં ગુમાવી દીધી હતી. ચરિથ અસાલંકા (110) અને ધનંજય ડી સિલ્વા (60) એ લંકાની ઇનિંગ સંભાળી હતી. બંને વચ્ચે 116 રનની ભાગીદારી નોંધાઈ હતી. ત્યાર બાદ એક તરફથી વિકેટ પડતી રહી અને બીજી તરફથી અસાલંકા ઇનિંગ સંભાળતા રહ્યા હતા. અસાલંકાની સદીના આધારે શ્રીલંકા ટીમે 250 રન પાર કરી લીધા હતી. શ્રીલંકાની ટીમ 49 મી ઓવરમાં 258 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી.

259 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત પણ ખરાબ રહી હતી. કેપ્ટન ફિન્ચ શૂન્ય પર પેવેલિયન પરત ફર્યા હતા. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો એક છેડેથી પેવેલિયન પરત ફરતા રહ્યા. બીજી તરફ વોર્નરે રનનો વરસાદ ચાલુ રાખ્યો હતો. વોર્નરે 99 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય પેટ કમિન્સે છેલ્લી મેચમાં 35 રન બનાવીને જીતની આશા જગાવી હતી પરંતુ તે અપૂરતી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ મેચના છેલ્લા બોલ પર 254 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અને આમ શ્રીલંકાએ આ મેચ 4 રને જીતી લીધી.

મેચની છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 19 રનની જરૂરીયાત હતી. કાંગારૂ ટીમે તેની 9 વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં શ્રીલંકાની જીત આસાન લાગી રહી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયન ખેલાડી મેથ્યુ કુહનેમેને આ ઓવરમાં 3 ચોગ્ગા ફટકારીને ઓસ્ટ્રેલિયાની જીતની આશા જગાવી હતી. હવે કુહનમેને છેલ્લા બોલ પર 5 રન બનાવવાના હતા. તેણે શનાકાના બોલ પર સિક્સર મારવાનો પ્રયાસ કર્યો પરંતુ ઓવર કવર પર કેચ આઉટ થઈ ગયો હતો.

ઓસ્ટ્રેલિયાએ આ શ્રેણીની પ્રથમ મેચ 2 વિકેટથી જીતી લીધી હતી, પરંતુ ત્યારબાદ શ્રીલંકાએ બીજી મેચ 26 રને અને ત્રીજી મેચ 6 વિકેટથી જીતીને સીરીઝમાં 2-1થી સરસાઈ મેળવી લીધી હતી. હવે શ્રીલંકાએ સીરીઝની ચોથી મેચ પણ જીતીને આ સીરીઝ જીતી લીધી છે.