ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આ વર્ષે T-20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20 સીરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચમાં તેની 69 રનની ધમાકેદાર ઇનિંગ તેને આ સ્થાન પર લઈ ગઈ છે. અહીં ખાસ વાત એ છે કે સૂર્યકુમારે આખા વર્ષમાં 180+ ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.

સૂર્યકુમાર યાદવે આ વર્ષે T20 ઈન્ટરનેશનલની 20 ઈનિંગ્સમાં 37.88 ની બેટિંગ એવરેજ અને 182.84 ના સ્ટ્રાઈક રેટથી 682 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને ચાર અડધી સદી ફટકારી છે. તે આ વર્ષે T20I માં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન પણ છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેણે 42 સિક્સર ફટકારી છે.

સૂર્યકુમાર યાદવ પછી વર્ષ 2022માં સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ રન બનાવનારમાં નેપાળના દીપેન્દ્ર સિંહ (626) નું નામ આવે છે. ત્રીજા સ્થાને ચેક રિપબ્લિકના સબાવુન ડેવીજી (612) છે. જો કે આ બંને બેટ્સમેનોએ નબળી ટીમો સામે રમતા આટલા રન બનાવ્યા છે. આ યાદીમાં પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન (556) ચોથા નંબરે અને વેસ્ટ ઈન્ડિઝનો નિકોલસ પૂરન (553) પાંચમા નંબરે છે.

રોહિત શર્માએ આ વર્ષે 20 મેચોમાં 27.61ની બેટિંગ એવરેજ અને 147.04 ના સ્ટ્રાઈક રેટથી 497 રન બનાવ્યા છે. તે સૂર્યકુમાર પછી વર્ષ 2022માં T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે છે. રોહિત શર્મા પછી આ યાદીમાં શ્રેયસ અય્યર (449), હાર્દિક પંડ્યા (436) અને વિરાટ કોહલી (433) નું નામ આવે છે.