સૂર્યકુમાર યાદવે વિરાટ કોહલીનો વધુ એક મોટો રેકોર્ડ તોડ્યો, આ ખાસ યાદીમાં થયો સામેલ

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ દરેક મેચમાં શાનદાર ઇનિંગ રમતા જોવા મળે છે. દરેક મેચ તેમના માટે અલગ હોય છે, પરંતુ શૈલી એક જ હોય છે. સૂર્યાએ ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી બીજી મેચમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે 51 બોલમાં 217.65 ની સ્ટ્રાઈક રેટથી 111 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં કુલ 11 ચોગ્ગા અને 7 સિક્સરનો સમાવેશ થાય છે. આ ઇનિંગ માટે સૂર્યાને ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો. આ ‘મેન ઓફ ધ મેચ’ સાથે તેણે વિરાટ કોહલીનો એક ખાસ રેકોર્ડ તોડ્યો હતો.
સૂર્યાએ ન્યૂઝીલેન્ડ સામેની ઈનિંગ માટે T20 ઈન્ટરનેશનલના કેલેન્ડર વર્ષમાં 7 મો ‘મેન ઓફ ધ મેચ’ એવોર્ડ જીત્યો હતો. આ ‘મેન ઓફ ધ મેચ’ સાથે તેણે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો હતો. વિરાટ કોહલીએ એક કેલેન્ડર વર્ષમાં T20 ઈન્ટરનેશનલમાં કુલ 6 વખત ‘મેન ઓફ ધ મેચ’ પ્રાપ્ત કર્યો છે. વિરાટ કોહલી માત્ર 13 ઇનિંગ્સમાં 6 વખત ‘મેન ઓફ ધ મેચ’ પોતાના નામે કર્યો હતો. જ્યારે સૂર્યાએ 30 ઇનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો છે.
સૂર્યાએ વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો અને વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર સિકંદર રઝાની પણ બરાબરી કરી હતી. સિકંદર રઝાએ પણ એક કેલેન્ડર વર્ષમાં T20 ઈન્ટરનેશનલમાં કુલ 7 વખત ‘મેન ઓફ ધ મેચ’ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. સિકંદર રઝાએ T20 ઇન્ટરનેશનલની કુલ 23 ઇનિંગ્સમાં 7 વખત ‘મેન ઓફ ધ મેચ’ પોતાના નામે કર્યો હતો.
હાલમાં T20 ઈન્ટરનેશનલનો નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આ દિવસોમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. સૂર્યા T20 વર્લ્ડ કપથી લયમાં ચાલી રહ્યો છે. ટી20 વર્લ્ડ કપ પણ તેના માટે ઘણો સારો રહ્યો હતો. તેણે વર્લ્ડ કપની 6 ઇનિંગ્સમાં 59.75ની એવરેજ અને 189.68 ની સ્ટ્રાઇક રેટથી 239 રન બનાવ્યા હતા. સૌથી વધુ રન બનાવવાના મામલે તે ત્રીજા નંબર પર રહ્યો હતો.