ICC એ T20 બેટ્સમેનોની રેન્કિંગ જાહેર કરી છે. ICC દ્વારા જાહેર કરવામાં આવેલી આ તાજેતરની રેન્કિંગમાં ભારતના સ્ટાર T20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવને મોટો ફાયદો થયો છે. હકીકતમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રણ મેચની ટી20 સીરીઝની ત્રીજી અને છેલ્લી ટી20 મેચમાં સૂર્યકુમાર યાદવે 69 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેને આ ઇનિંગનો ફાયદો થયો છે અને હવે તે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પછાડીને ICC T20 બેટિંગ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે આ રેન્કિંગમાં, પાકિસ્તાનનો વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન 861 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને યથાવત રહ્યો છે.

સૂર્યકુમાર યાદવે ICC T20 બેટિંગ રેન્કિંગમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પછાડીને બીજા સ્થાને પહોંચી ગયો છે. સૂર્યકુમાર યાદવ સિવાય ભારતના બોલર ભુવનેશ્વર કુમારે પોતાની બોલિંગ રેન્કિંગમાં એક સ્થાન ગુમાવ્યું છે અને તે હવે 10માં સ્થાને પહોંચી ગયો છે. ભુવનેશ્વર કુમાર ઉપરાંત, અક્ષર પટેલે તેની બોલિંગ રેન્કિંગમાં ઘણો ફાયદો થયો છે કારણ કે તે 18 માં સ્થાનથી 11 માં સ્થાને આવી ગયો છે. અક્ષરે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર બોલિંગ કરીને ત્રણ મેચની T20 સીરીઝમાં 8 વિકેટ ઝડપી હતી.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે ત્રણ મેચની T20 સીરીઝની પ્રથમ મેચ રમાશે. આ મેચ આજે સાંજે 7 વાગ્યાથી તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં રમાશે. 2022 T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, આ સીરીઝ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ વર્ષે જૂનમાં પણ સાઉથ આફ્રિકાની ટીમ પાંચ મેચની T20 સીરીઝ માટે ભારત આવી હતી. તેમ છતાં પાંચમી મેચ બાદ સીરીઝ 2-2 થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી અને તે સીરીઝમાં નિર્ણાયક ટી-20 વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.