સૂર્યકુમાર યાદવ પાસે મોહમ્મદ રિઝવાનનો રેકોર્ડ તોડવાની સુવર્ણ તક, ન્યૂઝીલેન્ડ સિરીઝમાં આટલા રન કરવા પડશે

ICC T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પાસે એક મોટો રેકોર્ડ બનાવવાની તક છે. તે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ T20 રન બનાવનાર બેટ્સમેન બની શકે છે. આ માટે તેણે ન્યૂઝીલેન્ડ સીરીઝમાં 286 રન બનાવવા પડશે. જો તે આમ કરવામાં સફળ થશે તો તે મોહમ્મદ રિઝવાનને પાછળ છોડી દેશે.
મોહમ્મદ રિઝવાને વર્ષ 2021માં 1326 T-20 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા હતા. સૂર્યકુમારે આ વર્ષે 1040 રન બનાવ્યા છે. જો તેણે આ રેકોર્ડમાં રિઝવાનને હરાવવો હોય તો તેણે ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટી20 સીરીઝમાં બેક ટુ બેક મોટી ઇનિંગ્સ રમવી પડશે. સૂર્યકુમાર પાસે આ વર્ષે આ છેલ્લી તક છે કારણ કે આ પછી ભારતીય ટીમ 31 ડિસેમ્બર સુધી કોઈ ટી20 મેચ રમશે નહીં.
ત્રણ T20 મેચમાં 286 રન બનાવવું સરળ કામ નથી, પરંતુ સૂર્યકુમાર જે રીતે ફોર્મમાં છે, તે એટલું મુશ્કેલ પણ નથી. સૂર્યકુમાર યાદવે આ વર્ષે 29 મેચોમાં 43.33 ની બેટિંગ એવરેજ અને 185.71 ના સ્ટ્રાઈક રેટથી 1040 રન બનાવ્યા છે. એક કેલેન્ડર વર્ષમાં 1000 થી વધુ રન બનાવનાર તે પ્રથમ ભારતીય બેટ્સમેન છે. આ વર્ષે તેણે 9 અડધી સદી અને એક સદી પણ ફટકારી ચુક્યા છે.
સૂર્યકુમાર યાદવે ગયા વર્ષે જ T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તેણે માત્ર 40 મેચ રમી છે. અહીં તેણે 41.41 ની એવરેજ અને 179.07 ની સ્ટ્રાઈક રેટથી 1284 રન બનાવ્યા છે. તેની ટૂંકી કારકિર્દીમાં તે T20નો નંબર-1 બેટ્સમેન બની ગયો છે. તેણે તેના અસામાન્ય શોટ્સ માટે વિશ્વભરમાં ઓળખ બનાવી ચુક્યા છે.