ભારતીય ક્રિકેટ ટીમના લીમીટેડ ફોર્મેટના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમારને બાંગ્લાદેશ સામેની વનડે સીરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. તેણે ગયા મહિને ઓસ્ટ્રેલિયામાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં શાનદાર બેટિંગ કરી હતી. ત્યાર બાદ તેણે ન્યુઝીલેન્ડ સામે ટી20 સીરીઝમાં સદી ફટકારી હતી. ખૂબ જ ઓછા સમયમાં તેણે વિશ્વના પ્રતિષ્ઠિત બેટ્સમેનોમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. તે છેલ્લા 75 દિવસથી ટીમ ઈન્ડિયા સાથે રહ્યો હતો. આ દરમિયાન, જ્યારે તેણે બ્રેક લીધો, ત્યારે પણ તે ક્રિકેટથી દૂર રહ્યો નહીં. સૂર્યાએ કહ્યું છે કે તે રણજી ટ્રોફીની આગામી સિઝનમાં રમશે.

સૂર્યકુમાર યાદવે એવો નિર્ણય લીધો છે જેમાંથી અન્ય ખેલાડીઓએ શીખવું જોઈએ. 20 ડિસેમ્બરથી મુંબઈની ટીમ રણજી ટ્રોફીમાં હૈદરાબાદ સામે બીજી મેચ રમશે. સૂર્યકુમાર યાદવે પોતાને આ મેચ માટે પસંદગી માટે ઉપલબ્ધ જાહેર કર્યા છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા એમસીએના અજિંક્ય નાયકે કહ્યું કે, સૂર્યકુમારે અમને કહ્યું છે કે, તે બીજી રણજી મેચ માટે ઉપલબ્ધ રહેશે. મુંબઈએ આજે આંધ્રપ્રદેશ સામેની પ્રથમ રણજી મેચ માટે ટીમની જાહેરાત કરી છે. રણજી ટ્રોફીમાં અજિંક્ય રહાણે મુંબઈની કેપ્ટનશીપ કરશે. સીમિત ફોર્મેટમાં પોતાને સ્થાપિત કરી ચૂકેલા સૂર્યકુમાર યાદવની નજર હવે લાલ બોલના ક્રિકેટ પર છે. તેની નજર ભારતીય ટેસ્ટ ટીમ પર છે. આ જ કારણ છે કે તે રણજી ટ્રોફી રમવાનું ચૂકવા માંગતો નથી.

વર્ષ 2022માં T20 ઈન્ટરનેશનલમાં સૂર્યકુમાર યાદવની બેટિંગ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. આ વર્ષે તેણે 31 મેચની તમામ ઇનિંગ્સમાં સૌથી વધુ 1164 રન બનાવ્યા છે. 2022માં હજુ સુધી વિશ્વનો કોઈ બેટ્સમેન એક હજાર રનનો આંકડો પાર કરી શક્યો નથી. આ દરમિયાન સૂર્યાએ T20 ઈન્ટરનેશનલમાં 2 સદી અને 9 અડધી સદી ફટકારી હતી, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 117 રન છે. તેણે માર્ચ 2021માં તેની T20 કારકિર્દીની શરૂઆત કરી હતી.