સૂર્યકુમાર યાદવનો ઇંગ્લેન્ડ સામે આવો રહ્યો છે રેકોર્ડ……

T20 વર્લ્ડ કપ 2022 માં ભારત તેની સેમી ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ સામે રમશે. આ મેચ 10 નવેમ્બર (એટલે કે આજે) એડિલેડ ઓવલ ખાતે રમાશે. આ મેચ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઈંગ્લિશ ટીમના કેપ્ટન જોસ બટલરે સ્ટાર ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે તેની પાસે ઘણા શોટ છે અને અમે તેને આઉટ કરવા આતુર છીએ. મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે જોસ બટલરે સૂર્યા વિરુદ્ધ રણનીતિ ઘડવા માટે એક ખાસ બેઠક બોલાવી હતી. આવો જાણીએ ઈંગ્લેન્ડ સામે સૂર્યાનો રેકોર્ડ.
સૂર્યકુમાર યાદવ ઈંગ્લેન્ડ સામે શાનદાર લયમાં જોવા મળી રહ્યો છે. તેણે ઇંગ્લેન્ડ સામે ટી20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ પણ કર્યું હતું. સૂર્યાએ અત્યાર સુધી ટી20 ઈન્ટરનેશનલમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચ ઈનિંગ્સ રમી છે, જેમાં તેણે 52ની એવરેજ અને 195.49ની સ્ટ્રાઈક રેટથી 260 રન બનાવ્યા છે. આમાં તેના નામે એક સદી અને એક અડધી સદી છે. સુર્યાએ ઇંગ્લેન્ડ સામે જોફ્રા આર્ચરની બોલ પર સિક્સર ફટકારીને કારકિર્દીની શરૂઆત કરી હતી.
સૂર્યા T20 વર્લ્ડ કપ 2022માં પણ જોરદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે અત્યાર સુધી પાંચ ઇનિંગ્સમાં 75 ની એવરેજથી 225 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 193.96 હતો. આ ટૂર્નામેન્ટમાં તેના બેટમાંથી કુલ 3 અડધી સદી નીકળી છે. આ સાથે જ તેનો હાઈ સ્કોર 68 રન રહ્યો છે.
સૂર્યા હાલમાં T-20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં નંબર વન પર રહેલ છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેણે 1000 થી વધુ રન બનાવ્યા છે. સૂર્યાએ 2022 માં T-20 ઈન્ટરનેશનલ મેચોમાં 28 ઈનિંગ્સ રમી, જેમાં 44.60 ની એવરેજ અને 186.54 ની સ્ટ્રાઈક રેટથી 1026 રન બનાવી લીધા છે.