વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ 2022માં સૌથી વધુ રન બનાવ્યા છે. પૂર્વ ભારતીય કેપ્ટને T20 વર્લ્ડ કપ 2022ની 6 મેચમાં 296 રન બનાવ્યા હતા. જ્યારે વિરાટ કોહલીની એવરેજ 98.67 હતી. આ બીજી વખત છે જ્યારે વિરાટ કોહલી T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો છે.

આ પહેલા પૂર્વ ભારતીય કેપ્ટને ટી20 વર્લ્ડ કપ 2014માં સૌથી વધુ રન બનાવ્યા હતા. જોકે, ટી20 વર્લ્ડ કપ 2014 ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમ શ્રીલંકા સામે હારી ગઈ હતી.

T20 વર્લ્ડ કપનો પ્રથમ વર્લ્ડકપ વર્ષ 2007 માં રમાયો હતો. T20 વર્લ્ડ કપ 2007 માં ઓસ્ટ્રેલિયાનો ઓપનર મેથ્યુ હેડન સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો. જ્યારે શ્રીલંકાના ઓપનર તિલકરત્ને દિલાસને આ કારનામું T20 વર્લ્ડ કપ 2009 માં કર્યું હતું. જ્યારે, શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન મહેલા જયવર્દને T20 વર્લ્ડ કપ 2010 માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતા. ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને હરાવીને 2010 T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

2012 T-20 વર્લ્ડ કપ શ્રીલંકામાં રમાયો હતો. વેસ્ટ ઈન્ડિઝની ટીમે આ વર્લ્ડ કપ જીત્યો હતો. આ સાથે જ ઓસ્ટ્રેલિયાના શેન વોટસન સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતા. T20 વર્લ્ડ કપ 2014નું આયોજન બાંગ્લાદેશમાં કરવામાં આવ્યું હતું, શ્રીલંકાની ટીમે આ વર્લ્ડ કપ જીત્યો હતો, જ્યારે ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. આ સિવાય તમીમ ઈકબાલ, બાબર આઝમ અને વિરાટ કોહલીએ અનુક્રમે ટી20 વર્લ્ડ કપ 2016, 2021 અને 2022માં સૌથી વધુ રન બનાવ્યા હતા.