T20 World Cup Final : પાકિસ્તાન ફાઇનલમાં પહોંચ્યું, ભારત સામેની મેચની આશા વધી

પાકિસ્તાને T20 વર્લ્ડ કપ 2022ની પ્રથમ સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું. આ જીત સાથે પાકિસ્તાને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ફાઈનલ મેચ રવિવારે મેલબોર્નમાં રમાવાની છે. હવે પાકિસ્તાનનો મુકાબલો બીજી સેમીફાઈનલ મેચ જીતનારી ટીમ સાથે થશે. પાકિસ્તાનની જીત સાથે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલ મેચની આશા વધી ગઈ છે. ટીમ ઈન્ડિયા બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે મેદાનમાં ઉતરશે.
T20 વર્લ્ડ કપ 2022 ની બીજી સેમિફાઇનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ મેચ ગુરુવારે એડિલેડમાં રમાશે. આમાં ટીમ ઈન્ડિયાના ચાહકોને જીતની આશા છે. જો ભારત આ મેચમાં ઈંગ્લેન્ડને હરાવશે તો ફાઇનલમાં તેનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. વિશ્વભરના ક્રિકેટ ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની રાહ જોઈ રહ્યા છે.
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ફોર્મમાં છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ગુરુવારે ઇંગ્લેન્ડ સામેની બીજી સેમિફાઇનલ મેચ માટે મેદાનમાં ઉતરશે. ટી20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ખેલાડીઓના પ્રદર્શન પર નજર કરીએ તો તે અસરકારક રહ્યું છે. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે વિસ્ફોટક ઇનિંગ્સ રમી છે. તેથી ટીમ ઈન્ડિયાને આ બંને પાસેથી વધુ આશા હશે. કેએલ રાહુલ અને રોહિત ટીમને સારી શરૂઆત અપાવી શકે છે. મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ ભારતના બોલિંગ આક્રમણમાં સારું પ્રદર્શન કરી શકે છે. તેથી ટીમ ઈન્ડિયાના ચાહકોને જીતની આશા રહેશે. જો ભારત સેમિફાઇનલમાં જીત નોંધાવશે તો ફાઇનલમાં પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે.