ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 1 જુલાઈથી એજબેસ્ટન ખાતે પાંચ ટેસ્ટ મેચની સીરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ રમાશે. આ ટેસ્ટ વર્ષ 2021 માં કોરોના વાયરસને કારણે રદ કરવામાં આવી હતી. તેમ છતાં ટીમ ઈન્ડિયા સીરીઝમાં 2-1 થી આગળ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ પણ આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે આ ટેસ્ટ જીત્યા બાદ પણ ભારતે ફાઇનલમાં પહોંચવા માટે વધુ મેચ જીતવી પડશે.

ભારત ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં 77 પોઈન્ટ અને 58.33 ટકા પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. બીજી તરફ જો ભારત છેલ્લી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવીને સીરીઝ જીતી લે છે તો ભારતને રેન્કિંગમાં તેનો ફાયદો મળશે.

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા નંબર વન અને સાઉથ આફ્રિકા બીજા નંબર પર છે. જો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની છેલ્લી મેચ ડ્રો થશે તો પણ ટીમ ઈન્ડિયા 2-1 થી સીરીઝ જીતી જશે. તેની સાથે 2022 માં બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસ સાથે ટીમ ઈન્ડિયાના નંબર 1 પર કબજો જમાવવાની શક્યતાઓ વધી જશે. આ તક હશે જ્યારે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને પછાડીને નંબર 1 બની શકે છે.

ઈંગ્લેન્ડ સિવાય 6 ટેસ્ટ રમવાની છે

આ વર્ષે ભારતને બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ મેચ અને ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ મેચ રમવાની છે. ફાઇનલમાં પહોંચવા માટે ભારતે બાંગ્લાદેશ સામેની બંને ટેસ્ટ મેચ જીતવી પડશે. આ સિવાય જો ભારત ઓસ્ટ્રેલિયાને 4-0 થી હરાવશે અથવા સિરીઝ 3-1 થી જીતશે તો ભારત પાસે ફાઇનલમાં પહોંચવાની તક રહેશે.