શુક્રવારે ઓકલેન્ડમાં ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની સીરીઝની પ્રથમ વનડેમાં સાત વિકેટે હારવા છતાં ભારત ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ (CWCSL) માં ટોચ પર રહ્યું છે. શુભમન ગિલ (50), શિખર ધવન (72) અને શ્રેયસ અય્યર (80) તેમજ વોશિંગ્ટન સુંદર (37) ની શાનદાર અડધી સદીએ ભારતને 50 ઓવરમાં 306/7 સુધી પહોંચાડ્યું હતું. જવાબમાં ટોમ લાથમ (104 બોલમાં અણનમ 145 રન) અને કેન વિલિયમસન (98 બોલમાં અણનમ 94) ની શાનદાર ઇનિંગ્સ અને ચોથી વિકેટની તેમની અણનમ 221 રનની ભાગીદારીએ ન્યૂઝીલેન્ડને ભારત સામેનો બીજો સર્વોચ્ચ ટાર્ગેટ પ્રાપ્ત કરવામાં મદદ કરી હતી.

તેમની પ્રભાવશાળી જીત બાદ ન્યુઝીલેન્ડે 10 CWCSL પોઈન્ટ્સ મેળવ્યા અને ટેબલમાં છઠ્ઠાથી ચોથા સ્થાને બે સ્થાનની છલાંગ લગાવી છે. તેઓ હાલમાં ઓસ્ટ્રેલિયા સાથે 120 પોઈન્ટ પર ટાઈ છે પરંતુ નેટ રન રેટ પર તેમના પડોશીઓથી સહેજ પાછળ છે. બીજી તરફ, ટુર્નામેન્ટના યજમાન હોવાના કારણે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે આપમેળે ક્વોલિફાય કરનાર ભારત 129 પોઈન્ટ સાથે ટોચ પર રહેલ છે.

રવિવારે હેમિલ્ટનમાં બીજી વનડેમાં ન્યૂઝીલેન્ડની જીત તેને CWCSL ટેબલમાં ચોથા સ્થાનેથી ટોચ પર લઈ જશે. નોંધનીય છે કે, ટોચની આઠ ટીમોને ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં સીધો પ્રવેશ મળશે. બાકીની ટીમો મેન્સ વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં પાંચ સહયોગી ટીમો સાથે રમશે. આ પછી, ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટમાંથી બે ટીમો વર્લ્ડ કપમાં આગળ વધશે.

ઉલ્લેખનીય છે કે, ભારત તરફથી શિખર ધવન, શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી હતી. અય્યરે 80 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 76 બોલનો સામનો કર્યો અને 4 ચોગ્ગા અને 4 સિક્સર ફટકારી હતી. જ્યારે કેન વિલિયમસન અને ટોમ લાથમે ન્યૂઝીલેન્ડ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું.