ટીમ ઈન્ડિયાને સાઉથ આફ્રિકા સામે 28 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી T20 શ્રેણી પહેલા મોટો ઝટકો લાગી શકે છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હજુ સુધી કોરોના વાયરસને હરાવી શક્યા નથી. મોહમ્મદ શમી સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝમાંથી બહાર થવાની શક્યતા વધી ગઈ છે.

એશિયા કપમાં ભારતીય ફાસ્ટ બોલરોના ખરાબ પ્રદર્શન બાદ મોહમ્મદ શમીની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ છે. પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝની શરૂઆત પહેલા જ મોહમ્મદ શમીનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને તે ત્રણ મેચની ટી20 સીરીઝમાંથી બહાર થઈ ગયો છે.

પહેલા એવી આશા હતી કે, મોહમ્મદ શમી સાઉથ આફ્રિકા સિરીઝ સુધી ફિટ થઈ જશે. પરંતુ ભારતીય ટીમ સાથે સંકળાયેલા એક સૂત્રએ કહ્યું કે, “શમી કોરોના વાયરસથી સાજો થયો નથી. મેડિકલ ટીમ શમી પર નજર રાખી રહી છે. અમને આશા છે કે મોહમ્મદ શમી T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા રવાના થતા પહેલા સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે.

તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમીને ટી20 વર્લ્ડ કપ માટે રિઝર્વ ખેલાડીઓની યાદીમાં સ્થાન મળ્યું છે. જો કે, શમીએ ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપ બાદ ભારત માટે એકપણ ટી20 મેચ રમી નથી. પરંતુ શમીને તેના અનુભવના આધારે રિઝર્વ ખેલાડીઓની યાદીમાં સ્થાન મળ્યું હતું.

જો કે શમી ના રમે તો ટીમ ઈન્ડિયાએ પોતાનો બેકઅપ પ્લાન તૈયાર કરી લીધો છે. જો શમી સાઉથ આફ્રિકા સીરીઝ માટે ફિટ નથી તો ઉમરાન મલિક ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ ઉમરાન મલિકને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.