ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ત્રણ મેચની ODI શ્રેણીમાં 3-0 થી જીત મેળવી હતી. આ જીતના લીધે ભારતીય કેમ્પ તેની વર્તમાન રેન્કિંગ પર યથાવત છે. ICC ODI રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા ત્રીજા સ્થાને યથાવત છે. બીજી તરફ પાકિસ્તાન ચોથા સ્થાને છે. કેટલાક ટોચના ખેલાડીઓની ગેરહાજરીમાં શિખર ધવનની આગેવાની હેઠળની ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને વેસ્ટ ઈન્ડિઝ સામે ક્લીન સ્વીપ કર્યું હતું.

ભારતની આ જીત ODI સીરીઝમાં સતત ત્રીજી જીત છે, જેનાથી તેના રેટિંગ પોઈન્ટ 110 થઈ ગયા છે. તે હવે ચોથા ક્રમે રહેલા પાકિસ્તાન (106 પોઈન્ટ) કરતા ચાર રેટિંગ પોઈન્ટ આગળ છે. ભારતે આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકાને તેની ધરતી પર હરાવ્યું હતું. આ રીતે ભારતીય ટીમે છેલ્લી નવ વનડેમાંથી આઠમાં જીત મેળવી છે.

ન્યૂઝીલેન્ડ વનડે રેન્કિંગમાં ટોચ પર છે. તેના 128 રેટિંગ પોઈન્ટ છે જ્યારે ઈંગ્લેન્ડ 119 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. પાકિસ્તાન ચોથા સ્થાને યથાવત છે. બાબર આઝમની આગેવાની હેઠળની ટીમ હાલમાં શ્રીલંકામાં બે ટેસ્ટ મેચની શ્રેણી રમી રહી છે. ત્યાર બાદ પાકિસ્તાન નેધરલેન્ડ સામે વનડે શ્રેણી રમશે, જેનાથી તેમને કેટલાક રેટિંગ પોઈન્ટ મેળવવાની તક મળશે. આ સિવાય ભારત ઓગસ્ટમાં ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચની વનડે શ્રેણી પણ રમવાની છે.