BCCI એ ભારતીય અમ્પાયરો માટે A+ નવી શ્રેણી બનાવી છે. દેશના 10 શ્રેષ્ઠ અમ્પાયરોને આ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે. ICCની એલિટ પેનલમાં સામેલ અમ્પાયર નીતિન મેનનને પણ આ નવી કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આ શ્રેણી સિવાય દેશમાં અમ્પાયરોની અન્ય ચાર શ્રેણીઓ પણ છે. જેમાં ગ્રુપ-એમાં 20, ગ્રુપ-બીમાં 60, ગ્રુપ-સીમાં 46 અને ગ્રુપ-ડીમાં 11 અમ્પાયરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુરુવારે બીસીસીઆઈની કાઉન્સિલની બેઠકમાં આ તમામ જૂથોની યાદી રજૂ કરવામાં આવી હતી. ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય અમ્પાયર કે હરિહરન, સુધીર અસનાની અને અમીશ સાહેબાએ બીસીસીઆઈ અમ્પાયર્સ સબ કમિટીના સભ્યોએ આ યાદી તૈયાર કરી હતી. ભારતીય અમ્પાયરોની A+ શ્રેણીમાં નીતિન મેનન ઉપરાંત રોહન પંડિત, નિખિલ પટવર્ધન, સદાશિવ અય્યર, ઉલ્હાસ ગંધે, અનિલ ચૌધરી, મદનગોપાલ જયરામન, વીરેન્દ્ર કુમાર શર્મા, આરકેએન અનંતપદ્મભાનન અને નવદીપ સિંહ સિદ્ધુનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું છે કે, ‘A+ નવા ગ્રુપની રચના કરવામાં આવી છે. ભારતના ટોચના અમ્પાયરોને A+ અને A શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે. બી અને સી કેટેગરીમાં પણ સારા અમ્પાયરો છે. 2021-22 સિઝનમાં તેમના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, જૂથો બનાવવામાં આવ્યા છે. જ્યારે ડોમેસ્ટિક ટુર્નામેન્ટ રમાશે ત્યારે ગ્રુપ પ્રમાણે પ્રાથમિકતા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, A શ્રેણીના અમ્પાયરોને ફર્સ્ટ ક્લાસ મેચમાં એક દિવસ માટે 40 હજાર રૂપિયા આપવામાં આવે છે. A+ શ્રેણીના અમ્પાયરો માટે આ જ ફી રહેશે. આ સિવાય બી અને સી કેટેગરીના અમ્પાયરોને એક દિવસના 30 હજાર રૂપિયા મળે છે.