ભારત અને ઈંગ્લેન્ડ T20 આંતરરાષ્ટ્રીય સીરીઝની પ્રથમ મેચ 7 જુલાઈના રોજ સાઉથમ્પટનમાં રમાઈ હતી, જે ટીમ ઈન્ડિયાએ સરળતાથી 50 રને જીતી લીધી હતી. આ મેચમાં એક રમુજી ઘટના બની હતી. આ મેચમાં ઓનફિલ્ડ અમ્પાયર એલેક્સ હાર્ફ અને ડેવિડ મિલ્નેસ હતા. એલેક્સ હાર્ફ દિનેશ કાર્તિક સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખેલાડી તરીકે પણ રમી ચૂક્યો છે. વાસ્તવમાં દિનેશ કાર્તિકે તેની ડેબ્યૂ વન-ડે ઈન્ટરનેશનલ મેચ ઈંગ્લેન્ડ સામે 5 સપ્ટેમ્બર 2004ના રોજ લોર્ડ્સના મેદાનમાં રમી હતી. તે મેચમાં હાર્ફ તેની ત્રીજી વનડે રમી રહ્યો હતો.

જ્યારે બીજી તરફ ખેલાડી તરીક રમનાર દિનેશ કાર્તિક અને એલેક્સ હાર્ફ વર્ષો બાદ એક વખત ફરી મેદાન પર સાથે હતા, પરંતુ આ વખતે હાર્ફ ખેલાડી નહીં પરંતુ અમ્પાયર હતા. 2004 માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરનાર દિનેશ કાર્તિક લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી છે. 37 વર્ષીય કાર્તિકે IPL 2022માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે જોરદાર બેટિંગ કરી, જેના આધારે તેને ટીમ ઈન્ડિયામાં પરત ફરવાની તક મળી હતી.

સાઉથમ્પટનમાં દિનેશ કાર્તિકે સાત બોલમાં 11 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા હાર્દિક પંડ્યાની ફિફ્ટીના આધારે ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 9 વિકેટે 198 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડ 148 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. હાર્દિક પંડ્યાએ પણ ચાર ઓવરમાં 33 રન આપીને ચાર વિકેટ લીધી હતી અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.